જાહેરનામું:પંચમહાલ જિલ્લામાં ફટાકડાનાં ઉત્પાદન-વેચાણનું જાહેરનામું

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 08.00 કલાકથી 10.00 કલાકમાં જ ફટાકડા ફોડી શકાશે

દિવાળી તથા અન્ય તહેવારોની ઉજવણી નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરોથી બચાવવા તેમજ ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા અંગે કરેલ દિશા નિર્દેશોના અમલીકરણ માટે, જાહેર જનતાની સલામતી અને સગવડ માટે જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન, ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતા પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી. ચુડાસમા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-1973ની કલમ-144 તથા ગુજરાત પોલિસ અધિનિયમ સને 1951ની કલમ 33 (1) (બી), કલમ-33 (1) (યુ) અન્વયે મળેલ સત્તાની રૂએ આ સંદર્ભે નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.

જે હેઠળ દિવાળીના તહેવારોમાં રાત્રે 08.00થી 10.00 કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. સિરીઝમાં જોડાયેલ ફટાકડા (ફટાકડાની લૂમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાનું પ્રદૂષણ થતું હોઈ તેવા ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (ડેસિબલ લેવલ) વાળા ફટાકડા વેચી વાપરી શકાશે.

PESO સંસ્થા એવા અધિકૃત ફટાકડાના દરેક બોક્સ પર PESOની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવાનું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને તે સ્થળે કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

ભયજનક સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપો, એલ.પી.જી બોટલિંગ પ્લાન્ટ અને ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામોની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ પંચમહાલ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2021થી તા.21 નવેમ્બર 2021(બંને દિવસો સહિત) સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા જી.પી. એક્ટની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...