તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલિટી ચેક:ગોધરાના ખટવામાં સરકારી સારવારનો અભાવ, ઝાડની ડાળીઓ પર બોટલ બાંધી દર્દીઓને ચઢાવાય છે

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુલ્લામાં થતી સારવાર આરોગ્ય સ્થિતિની ચાડી ખાય છે - Divya Bhaskar
ખુલ્લામાં થતી સારવાર આરોગ્ય સ્થિતિની ચાડી ખાય છે
  • મોરવા(હ)ની ચૂંટણી બાદ ગામડામાં કોરોના વકરતાં ઘરે ઘરે દર્દીઓના ખાટલા
  • ગામમાં 20 દિવસમાં કોરોનાથી 11 શંકાસ્પદ મોત
  • PHCમાં તબીબ-સ્ટાફના અભાવે દર્દીઓ સારવાર વગર વિલા મોઢે પરત
  • ગ્રામીણમાં ખાનગી તબીબ પર આધાર રાખવો પડે છે
  • ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ના દાવા પોકળ સાબિત થયા

પંચમહાલના અંતરિયાળ ગામોમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વઘી રહ્યું છે. જીલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાં તો તંત્ર દ્વારા એવો દાવો કરી રહ્યો છે કે આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ટ્રેસિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સહિતની કામગીરી કરતાં સ્થાનિક તંત્ર દ્વારા દાવાઓ કરી પોતાની પીઠ થાબડી હતી. જીલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અભિનંદન પણ મેળવ્યા હતા. પરંતુ વિધાનસભાની પેટા ચુંટણી બાદ કોરોના વકરતા મોરવા હડફના ખટવામાં તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી હતી.

દર્દીઓને છત વિનાના મકાનોમાં આશરો લવાનો વારો આવ્યો
દર્દીઓને છત વિનાના મકાનોમાં આશરો લવાનો વારો આવ્યો

ખટવામાં 20 દિવસમાં કોરોનાથી શંકાસ્પદ 11 લોકોના મોત થયા છે. ખટવામાં કોરોના ટેસ્ટીંગ ન થતાં ગ્રામજનોની બદતર હાલત થઇ છે. ગામથી દુર 7 કિમી દુર આવેલા પ્રા. આરોગ્ય કેન્દ્રના સહારે ગ્રામજનો સારવારની આશા લઈને તો જાય છે. પરંતુ આ પીએચસી ખાતે તબીબ અને સ્ટાફના અભાવે સારવાર વગર જ પરત આવેે છે. જેથી ખાનગી તબીબનો સહારો લેવો પડે છે. ગામમાં અત્યાર સુધીમાં કોઈ આરોગ્ય સર્વે, તપાસ, દવાનો છંટકાવ થયો નથી. લોકો જણાવી રહ્યા છે કે ટેસ્ટ થયા જ નથી અને ટેસ્ટ ન થવાથી સારવાર શું અને ક્યાં કરાવવી એ ખબર નથી પડતી જેથી આ મોત થયા છે.

કેટલાક દર્દી છત વગરના મકાનમાં સારવાર લે છે
ટૂંકમાં આરોગ્યલક્ષી સેવાઓના અભાવે જીવ ગુમવ્યા, છતા તંત્રના પેટનું પાણી પણ હાલતું જ નથી. સરકારી ચોપડે તો ગામમાં કોઈ મોત થયા જ નથી કે કોઈ કોરોના પોઝિટિવ દર્દી પહેલા પણ નહોતો અને હાલ પણ નથી! કેટલાય વૃદ્ધ હાલ પોઝિટિવ છે અને હાલ ઘરે જ ખાનગી તબીબના સહારે સારવાર લે છે. પોઝિટિવ દર્દીઓ છત વગરના મકાનમાં અલગ રહી રહ્યા છે. પ્રા. શાળામાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટરમાં પોઝિટિવ દર્દીઓ હોવા જોઈએ નહી કે છત વગરના મકાનોમાં તે મોટો સવાલ છે.

ગામમાં કોરોનાથી ત્રણ મોત
આમ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓની કરવામાં આવતી વાતો માત્રને માત્ર વાતો જ છે. ગામના સરપંચના મતે ગામમાં કોરોનાને લઈને ૩ મોત થયા છે. ગામમાં આરોગ્ય સેવાઓ નથી એવું તેઓએ સ્વિકારીને ગ્રામજનોમાં ડરનો માહોલ છે. તેમ સરપંચ દિલીપ કટારાએ જણાવ્યુ હતું.

ખુલ્લામાં થતી સારવાર આરોગ્ય સ્થિતિની ચાડી ખાય છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી દુર માત્ર 100 મીટરના અંતરે આવેલ ખાનગી તબીબના કલીનીક અાવેલ છે. આ ખાનગી ક્લીનીકમાં દાર્દીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ખાનગી તબીબ દ્વારા ક્લીનીકના પાછળના ભાગમાં એક લીમડાના ઝાડની નીચે ઓટલા પર ગાદલા બિછાવી ઝાડની ડાળીઓ પર દવાના બોટલ બાંધી દર્દીઓને ચઢાવવામાં આવ્યા હતા. લીમડાની ડાળીઓ પર બાંધેલા 20 ઉપરાંત બોટલ આ વિસ્તારમાં લોકોના આરોગ્યની સ્થિતિ અને સરકારી ચોપડાની સ્થિતિની ચાડી ખાય છે.

દર્દીઓને છત વિનાના મકાનોમાં આશરો લવાનો વારો આવ્યો
ખટવાની પ્રા. શાળાના મુખ્ય ઓરડામાં મોટા ઉપાડે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરી છે, આ ઓરડામાં બેડ ગોઠવી દેવા્યા છે. પરંતુ એક પણ દર્દી ત્યાં નથી. કોવિડ કેર સેન્ટરમાં મુકેલા પ્લસ ઓક્સીમીટર, બ્લડ પ્રેશર માપવાનું મશીન બંધ હાલતમાં તો થર્મલ ગન તો જોવા જ ન મળી. બસ માત્ર ખાનાપૂર્તિ કરવા માટે કોવિડ કેર સેન્ટર શરુ કરી દેવામાં આવ્યું છે, વાસ્તવિક સ્થિતિ એ છે કે આ કોવિડ કેર સેન્ટર ખાલીખમ છે તો બીજી તરફ ગામમાં કોરોના પોઝિટિવ તેમજ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ છત વગરના મકાનોમાં ઉનાળાના આકરા તાપમાં આશરો લઈ રહ્યા છે.

કોરોના ટેસ્ટિંગ માટેની ટેસ્ટ કિટ નથી જેથી હાલ ટેસ્ટિંગ બંધ છે
ખટવા ગામથી 7 કિમી અંતરે આવેલા મેત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચોપડે ખટવા ગામમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ જ નથી. આ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટેની ટેસ્ટ કિટ નથી જેથી હાલ ટેસ્ટીંગ બંધ છે. આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ હોવાનું અને આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં સઘન તપાસ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે શંકાસ્પદ લોકોને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આ આરોગ્ય કેન્દ્ર ખાતેથી પણ સારવાર આપવામાં આવે છે. - રવીન્દ્ર બામણીયા , ઇન્ચાર્જ મેડીકલ ઓફિસર, મેત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...