કૌભાંડનો પર્દાફાશ:2007માં ગામ તળાવમાં 16 લાખની ઉચાપતમાં 7 કોન્ટ્રાક્ટર, 5 સરકારી અધિકારીની સંડોવણી

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘોઘંબા- કડાણા અને સંતરામપુરના 8 તળાવની ખાતાકીય તપાસમાં રૂ.16.50 લાખની ઉચાપત બહાર આવી
  • નાની સિંચાઇના અધિકારીએ ફરિયાદ નોંધવા અરજી આપી

જૂના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, સંતરામપુર અને કડાણા તાલુકાના ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2007-08માં તળાવો ઉંડા કરવાની કામગીરી નાની સિંચાઇ કચેરી હસ્તક કરવામાં આવી હતી. આ તળાવો ઉંડા કરવાની કામગીરીમાં 7 કોન્ટ્રાકટર અને 5 સરકારી અધિકારીઓની મીલીભગતથી કામગીરીમાં ગેરરીતિ થયેલ હોવાની તપાસ કરતાં કુલ રૂા.16.50 લાખના ખોટા બિલો બનાવીને ઉચાપત કરી હોવાનું ખાતાકીય તપાસમાં બહાર આવતાં ઉચાપતમાં સંડોવાયેલા કોન્ટ્રાકટર તથા જે તે વખતના નાની સિચાંઇના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.

વર્ષ 2007- 8 માં ન્યુ પેટર્ન યોજના હેઠળ કડાણા તાલુકા, સંતરામપુર તાલુકા તથા ઘોઘંબા તાલુકાના તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ વિવિધ ગામ તળાવો ઊંડા કરવાની કામગીરીમાં જે તે સમયના કોન્ટ્રાકટર દ્વારા કરેલ કામગીરીના બિલો રજૂ કરતાં જરૂરી કાર્યવાહી કરીને નાની સિંચાઈ વિભાગ દ્વારા કોન્ટ્રાકટરોને પ્રથમ બિલની ચુકવણી કરાયેલ હતી. આ કામગીરી સંદર્ભે સરકારના ગુણવત્તા નિયમન તંત્ર દ્વારા આ ગામ તળાવોની જે ઊંડાઈનું કામ હતું.

તેની ચકાસણી કરતાં તેમાં ગેરરીતિ જણાઇ આવેલ હતી અને સ્થળ સ્થિતિ કરતાં વધુ માપ લેવામાં આવેલ. કેટલાક કામોમાં પ્રથમ ને છેલ્લા રનિંગ બિલોમાં જથ્થા કરતાં વધુ જથ્થાના માટી કામનું ચૂકવણું કોન્ટ્રાકટર, નાનીસિંચાઈના અધિકારીઓ અને કર્મચારીએ ભેગા થઇને એકબીજાના મેળાપીપણામાં થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આમ સંતરામપુરના 5 તળાવો તથા કડાણા તાલુકાના 11 ગામતળાવો અને ઘોઘંબા તાલુકાનાં 4 તળાવોમાં સ્થળ સ્થિતિ કરતાં વધુ માપ લઈને બિલોમાં વધુ જથ્થામાં માટી કામનું મેળાપીપણામાં ખોટી રીતે ચૂકવણું કરી કરાવીને સરકારને નાણાકીય નુકસાન કર્યુ હતુ.

આ 3 તાલુકામાં મળીને કુલ રૂા.16,50,598 નુકસાન કરાયેલ હોવાની હકીકતો તપાસમાં બહાર આવતાં હડકંપ મચી ગયો છે. આ ગામ તળાવોની કામગીરીમાં ઉચાપતની ખાતાકીય અહેવાલ પંચમહાલ નાની સિંચાઇમાં આવ્યો હતો. પોલીસે અરજીના આધારે જરૂરી પુરાવા એકત્રિત કરવા ગોધરાની નાની સિંચાઇ વિભાગમાં જરૂરી દસ્તાવેજો લઇને આગળની તપાસ હાથ ધરી હતી.

આરોપનો નિવૃત્ત અધિકારી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો
સરકારી નાણાંની ઉચાપતમાં સંડોવાયેલા નિવૃત એ.ડી. રાઠોડે ગાંધીનગર ઉપસચિવને પત્ર લખ્યો હતો કે સમગ્ર પ્રકરણમાં મારંું બચાવનામું વર્ષ 2014 માં રજૂ કરેલ છે. ખાતાકીય તપાસ નિવૃત્તિ સમય સુધી પૂર્ણ થયેલ નથી. જેથી હું મારી સામેના આરોપોનો ગુજરાત રાજય સેવા 1971ના નિયમ મુજબ સ્વીકાર કરંુ છું. અને મારી સામેનો અારોપ સાબિત થશે તો જે કોઇ શિક્ષાનો હુકમ કરશો તે મને માન્ય રહેશે તે મુજબની બાંહેધરી અાપતો પત્ર 8 એપ્રિલ 2022ના રોજ લખીને પેન્શનનો લાભ સમયસર મળવા માટે ખાતાકીય તપાસમાં પ્રક્રિયામાંથી મુક્ત કરવા અરજ કરી હતી.

પોલીસ મથકે અરજીમાં જણાવવામાં આવેલા કોન્ટ્રાકટર અને સરકારી અધિકારીઓના નામો કોન્ટ્રાકટર

  • પરવેઝ કન્સ્ટ્રકશન, જહોરી જે રામપુરવાલા, સી.અેસ. પટેલ, અેચ.અાર. પટેલ
  • સલીમ મહોમંદ હાજી ગુલામ મહમંદ શેખ, અેમ.જે. પટેલ, કે.કે. દવે

જે તે વખતના સરકારી અધિકારીઓ

  • વી.અેમ.શર્મા, તત્કાલીન કાર્યપાલક ઇજનેર, નાની સિંચાઇ વિભાગ, ગોધરા(હાલ નિવૃત્ત)
  • અે.ડી.રાઠોડ, તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર, નાની સિચાંઇ પેટા વિભાગ, ઘોઘંબા( હાલ નિવૃત્ત)
  • જે.અેસ.સોની, અધિક મદદનીશ ઇજનેર, નાની સિચાંઇ પેટા વિભાગ, ઘોઘંબા
  • બી.અાર.સોલંકી, અધિક મદદનીશ ઇજનેર, નાની સિંચાઇ પેટા વિભાગ, સંતરામપુર
  • અેસ.વી. ગોસાવી, વિભાગીય હિસાબનીશ તાલુકા પંચાયત, જાંબુઘોડા
અન્ય સમાચારો પણ છે...