કોરોનાની આગેકૂચ:પંચમહાલ કલેક્ટર કોરોનાની ઝપેટમાં, પિતા પણ કોરોનાગ્રસ્ત

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘોઘંબામાં ભાજપ અગ્રણીઓ કોરોનાથી સંક્રમિત, ગોધરા સબજેલમાં એક કેદી કોરોના પોઝિટિવ આવતાં કુલ 5 કેદી પોઝિટિવ
  • સોમવારે 52 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા 268 થઈ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઇ રહેતાં કોરોના પોઝિટિવ કેસમાં અનેકગણો વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં કોરોનાએ 1900ના આંકડાને ક્રોસ કરી દીધો છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ જિલ્લા કલેક્ટરને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતાં તેઓને હોમ આઇસોલેશન કરાયા હતા. કલેક્ટર બાદ તેમના પિતા અવતાર અરોરા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જિલ્લામાં સરકારી અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટ પેસી ગયો છે.

કુલ 5 કાચાકામના કેદીઓ કોરોનાગ્રસ્ત થયા
કોરોનાએ ઘોઘંબા તા.માં પણ રફતાર પકડી છે. ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ છેલુભાઇ રાઠવા, ઘોઘંબા ભાજપ તાલુકા પ્રમુખ ગુણંવતસિંહ ગોહિલ તથા ઘોઘંબા ભાજપ તાલુકા મહામંત્રી ડાહ્યાભાઇ ભારતભાઇને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગોધરા સબ જેલમાં વધુ એક કેદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સબજેલના કુલ 5 કાચાકામના કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે. સામાન્ય લક્ષણ ધરાવતી વ્યક્તિઓ જો નજીકના આરોગ્ય સેન્ટરમાં ચેકઅપ કરાવે તો કોરોનાનો ફેલાવો અટકી શકે તેમ છે.

પંચમહાલમાં 30 કેસ સાથે કોરોના 1900ને પાર
પંચમહાલ જિલ્લામાં સોમવારે કોવિડ-19 સંક્રમણના 30 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 1913 પર પહોંચી છે. સોમવારે નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 19 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 11 કેસ નોંધાયા છે. જ્યારે ગોધરા શહેરમાંથી 8, હાલોલમાંથી 7 અને કાલોલમાંથી 1 કોરોના પોઝિટિવના કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1768 કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 4, હાલોલ ગ્રામ્યમાંથી 4, ઘોઘંબા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 1 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ કોરોના પોઝિટિવના મળી આવ્યા છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 394 થવા પામી છે. સારવાર બાદ સાજા થતાં કુલ 52 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 1370 થવા પામી છે. જિલ્લામાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 268 થઈ છે, જે તમામની સારવાર ચાલી રહી છે. ગોધરામાં સોમવારે બામરોલી રોડની કૃષ્ણાનગર સોસાયટીમાંથી કોરોના પોઝિટિવના બે કેસ મળી આવ્યા હતા. જ્યારે હાલોલના કંજરી ગામના સેરોન પાર્કમાંથી એક સાથે 4 પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. આમ, જિલ્લામાં કુલ 1913 કેસ સાથે કોરોનાની આગેકૂચ રહી છે.

અન્ય સમાચારો પણ છે...