ટ્રાન્સપોર્ટનો ધંધો મંદો:ડીઝલના ભાવમાં વધારો થયા બાદ ભાડા ન વધતાં પંચમહાલમાં 30% ટ્રક બંધ હાલતમાં, એક ફેરાના નફામાં રૂ. 3500ની ખોટ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60% ટ્રકો મહારાષ્ટ્રની ટ્રીપો કરે છે, 40% ટ્રક લોકલ ફેરા મારે છે : ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ 1700 ટ્રકના ભાડા ન વધે તો ટ્રક માલિકોનું ભાવિ જોખમમાં
  • ડીઝલનો ભાવ રૂા.102 થયો તોય જૂના ભાવ મુજબનું જ ભાડું વેપારીઓ ચૂકવે છે

પંચમહાલ જિલ્લામાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે 1700 જેટલી ટ્રકો સંકળાયેલી છે. જિલ્લાનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય રાજ્ય સહિત દેશભરમાં ચાલી રહ્યો છે. 1700 ટ્રકોમાંથી 60 ટકા ટ્રકો મહારાષ્ટ્રની ટ્રીપો કરે છે. જ્યારે 40 ટકા ટ્રકો લોકલ ટ્રીપ કરીને ટ્રાન્સપોર્ટનો ધંધો કરીને અાજીવિકા ચલાવે છે. હાલ ડીઝલના ભાવમાં ભડકો થતાં રૂા.102 સુધી પહોંચી જતાં ટ્રાન્સપોર્ટનો ધંધો મંદો પડી ગયો છે. જિલ્લામાં ડીઝલના ભાવ વધવા છતાં ટ્રકમાલિકો ભાવ વધારી શકતા નથી. વાહનમાલિકોને ટ્રકમાં લાવતાં સામાનનું ભાડું વેપારી ચૂકવે છે. વેપારીઅો ડીઝલના ભાવ વધવા છતાં વધારાનું ભાડું અાપવાનું ના પાડી ડીઝલનો ભાવ રૂા.56 હતો ત્યારનું જ ભાડું આપી રહ્યા છે.

આથી ટ્રક માલિકોને અેક ફેરાના નફામાંથી રૂા. 3500 જેટલી ખોટ સહન કરવી પડી રહી છે. છતાં વાહન માલિકો મજબૂરીથી ટ્રાન્સપોર્ટેશન કરી રહ્યા છે. જ્યારે લોકલ ટ્રીપ કરતી 40% ટ્રકોમાંથી ડીઝલના ભાવવધારાથી 30% ટ્રકો ભાડા વગર પડી રહી છે. તેમ ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે. ટ્રક માલિકોને વાહનોના મેન્ટેન્સ, ટ્રક ડ્રાઇવરનો પગાર, હપ્તો કાઢતાં ટ્રક માલિકને નફો મળતો નથી. જેને લઇને પંચમહાલ ટ્રક અેસોસિએશન અાવનારા સમયમાં ભાડું વધારવા ગુજરાત અેસો.ને રજૂઅાત કરશે તેમ જણાવ્યું હતું.

ડીઝલનો ભાવ વધવાથી ડ્રાઇવર અને ક્લીનરનો પગાર કાઢવો મુશ્કેલ બન્યો
ટ્રક માલિક જણાવી રહ્યા છે કે જૂના ભાડામાં ગાડીઅો ચલાવી રહ્યા છે. કેટલાક માલિકો વાહનો વેચવા ફરી રહ્યા છે. ડીઝલનો ભાવ વધતાં ડ્રાઇવર અને ક્લીનરનો પગાર ભાડામાંથી કાઢવો મુશ્કેલ બન્યો છે. જ્યારે કેટલાક ટ્રકોવાળા ડીઝલના ભાવ વધતાં નફો સરભર કરવા કેરોસીન અને મિથેલીન નાખીને વાહન ચલાવીને વાતાવરણ પ્રદૂષિત કરતા હોવાની બૂમ પણ સંભળાય છે.

ભાડા વધારવાનું અાયોજન અાગામી સમયમાં કરીશું
હાલ જૂના ભાડાથી ટ્રાન્પોર્ટનો ધંધો કરી રહ્યા છે. જિલ્લાની 1700 જેટલી ટ્રકોમાંથી કેટલીક ટ્રકો ભાડા વગર પડી રહી છે. ડીઝલ રૂા.102 થતાં અમે ગુજરાત ટ્રક અેસોસિઅેશન અને વેપારી સાથે વાત કરીને ભાડા વધારવાનું અાયોજન અાગામી સમયમાં કરીશું.> શોઅેરભાઇ બક્કર, ખજાનચી, પંચમહાલ ટ્રક અેસોસિઅેશન

અન્ય સમાચારો પણ છે...