ગોધરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ડાઉન ટ્રેનમાં પોલીસના માણસો વોચ રાખી રહ્યા હતા, ત્યારે રેલવે પોલીસને બાતમી મળી હતી કે ગોધરા જંક્શન ખાતે દાહોદ તરફથી આવેલી ઇન્દોર એક્સ્પ્રેસ ટ્રેનમાં શહેરા ભાગોળ ફાટક અને ભુરાવાવ ઓવરબ્રિજ વચ્ચેથી મુસાફરોના સામાનની તફડંચી કરવામાં ઇરાદે કેટલાક ઈસમો ચઢવાના છે. જેના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસ વોચ ગોઠવાઇ હતી. જે દરમ્યાન રાતના સમયે ટ્રેન ધીમી ગતિએ પસાર થતી વેળાએ બાઈક લઈને બે ઈસમો આવ્યા હતા.
બંને ઈસમોએ બાઈક રેલવે ટ્રેકની બાજુમાં પાર્ક કરીને ચાલુ ટ્રેનમાં ચઢયા હતા. અને ત્યારબાદ ચાલુ ટ્રેનમાં ઉતરી રહ્યા હતા. રેલવે ટ્રેક પર વોચમાં રહેલી પોલીસ બંને ઇસમોને પકડવા દોડી હતી. જેમાંથી એક ઈસમ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જ્યારે બીજો ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ ઇસમને પોલીસમથકે લાવીને તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ મુસ્તકીમ યાકુબ કલંદર જણાવ્યું હતું. જ્યારે નાસી જનાર ઇસમનું નામ સલમાન ઉર્ફે ભૂરો મયુદ્દિન સમોલ જણાવ્યું હતું, પોલીસે એક બાઈક કબ્જે લઇને બંને ઈસમો સામે ગોધરા રેલવે પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.