હાલોલના રાધીકા નગર 1 અને 2 ના 313 પરિવારોને હાલોલ મામલતદારે જમીન દિન 7માં ખાલી કરવાની નોટીસ આપતા રહીશોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. જેને લઇને રહીશો ગોધરા ખાતે આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ન્યાય કરવાની અરજ કરી હતી.
રાધીકા નગરના રહીશોઅે આપેલ આવેદનપત્રમાં જણાવેલ કે હાલોલ શહેરના રાધિકા નગર 1-2નાં રહીશોને હાલોલ મામલતદાર તરફથી આપવામાં આવેલી લેન્ડ રેવન્યુ કલમ મુજબની નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જણાવેલા સર્વે નંબર વાળી જમીનમાં અમે છેલ્લા વીસ વર્ષથી વસવાટ કરીએ છીએ. અને અમે તમામ રહીશો આ જમીનના જે તે પ્લોટો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદ કરી છે અને અમે બોનોફાઇડ પરચેઝર છીએ. જે તે સમયે અમને આ પ્લોટ વેચાણ આપવામાં આવ્યા છે.
તે સમયે બિલ્ડર દ્વારા આ જમીન ટાઇટલ ક્લીઅર છે તેવું અમને જણાવી પ્લોટો વેચાણથી આપ્યા છે અને તે પ્લોટો નું રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યા છે.હાલમાં આ જગ્યા પર આશરે 150 જેટલા નાના મોટા કાચા પાકા સ્વરૂપના મકાનો બાંધકામ કરવામાં આવેલ છે. કાયદેસર રીતે ખરીદ કરેલી મિલકત જો સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવશે તો તમામ રહીશોને ભૂખે મરવાનો તેમજ કુટુંબ પરિવારને રઝળી પડવાની દહેશત રહેલી છે. અમોએ કોઈપણ પ્રકારનું ગેરકાયદેનું કૃત્ય કર્યું નથી.
આ જગ્યામાં બિલ્ડરે પ્લોટ હોલ્ડરને તથા સરકારને અંધારામાં રાખવાનું કાવતરું રચ્યું છે. અમો એ કાયદેસર રીતે ખરીદ કરેલા પ્લોટ ઉપર જે તે સમય પછી સરકારની શરતોને આધીન મકાનો બનાવ્યાં છે. તેમજ હાલોલ પાલિકા અરજદારો પાસેથી ટેક્ષ વસુલ કરે છે. તેમજ આવેલા પ્લોટમાં એમ.જી.વી.સી. એલ દ્વારા તમામ પેપર્સ ચકાસી મંગાવીને લાઈટ કનેક્શન આપવામાં આવ્યા છે. આમ તમામ રહીશોએ સરકાર સાથે કોઈપણ જાતની છેતરપિંડી કરી નથી.
અમે સરકારમાં ભરવામાં થતી તમામ સ્ટેમ્પ ડ્યુટી જંત્રી પ્રમાણે ભરીને વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા છે. જેથી આ મામલે જિલ્લા કલેકટર દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે અને જવાબદાર ઇસમ બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ રહીશોએ કરી હતી. અમને દિન 10માં આ મામલે જવાબદારો સામે યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કે તપાસ નહી કરવામાં આવે તો અમે તમામ રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.