અલ્ટિમેટમ:ગોધરાને મેડિકલ કોલેજ જોઇતી હોય તો સિવિલ હોસ્પિટલને 330 બેડની બનાવો

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા સિવિલ હોસ્પિટલની તસવીર જેમાં બેડનો વધારો કરવાની જરૂર છે. - Divya Bhaskar
ગોધરા સિવિલ હોસ્પિટલની તસવીર જેમાં બેડનો વધારો કરવાની જરૂર છે.
  • ચંચેલાવમાં મેડિકલ કોલેજ શરૂ કરવા 20 એકર જમીન ફાળવાઇ, ટીમે આવી કોલેજ માટેની વિવિધ સુવિધાઓ માટેની ચકાસણી કરી
  • 325 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ બનશે, ગોધરા ધારાસભ્યને જાણ થતાં તાત્કાલિક બેડ સહિતની ખામીઓ દૂર કરવા જણાવ્યું

રાજયના આરોગ્ય મંત્રીએ એક વર્ષ અગાઉ ગોધરા ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરી હતી. જેના પગલે ગોધરા સહિત પંચમહાલમાં ખુશી ફેલાઇ ગઇ હતી. આ મેડિકલ કોલેજ શરૂ કરવા ગોધરાના ચંચેલાવ ખાતે 20 એકર જમીન પણ ફાળવી દેવામાં આવી છે. મેડિકલ કોલેજનું સંકુલ રૂા.325 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

મેડિકલ કોલેજ શરૂ કરવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલને અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણો મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારી શરૂ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી ન હતી.

આ દરમ્યાન ગોધરામાં મેડિકલ કોલેજ શરૂ કરવા માટેની જરૂરી વિવિધ સુવિધાઓની ચકાસણી કરવા માટે દિલ્હીથી એક ટીમ ગોધરા ખાતે આવેલી હતી. આ ટીમ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી. આ ટીમે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજ શરૂ કરવા માટે 330 બેડની હોસ્પિટલ હોવી જોઇએ. જ્યારે સિવિલ હોસ્પિટલમાં હાલ 230 બેડની જ સુવિધા ઉપલબ્ધ છે. જેથી દિલ્હીની ટીમે મેડિકલ કોલેજ શરૂ કરવા સિવિલને 230 બેડથી વધારીને 330 બેડની સુવિધા ઉભી કરવા જણાવ્યું હતું. આ સુવિધા 21 દિવસમાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી. જેને લઇને સિવિલ હોસ્પિટલ સ્ટાફ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલમાં વધુ 100 બેડ વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જો 21 દિવસની મુદતમાં સિવિલ હોસ્પિટલ 330 બેડની સુવિધા ઉભી નહિ કરી શકે તો મેડિકલ કોલેજની માન્યતા રદ થશે કે ફરીથી તપાસ ટીમ આવશે તેનાથી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અજાણ છે. ત્યારે ગોધરા સહિત જિલ્લાવાસીઓનું મેડિકલ કોલેજ બનવાનું સપનું જો 21 દિવસમાં વધુ 100 બેડ ઉભા કરવામાં આવશે તો જ પૂરુ થશે.

21 દિવસમાં વધુ 100 બેડની સુવિધા ઉભી કરી દેવામાં આવશે
દિલ્હીથી આવેલી ટીમ દ્વારા મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પહેલાં તેમાં રહેલી 8 ખામીઓને દૂર કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી મોટી ખામી સિવિલ હોસ્પિટલમાં 330 બેડની સુવિધા ઉભી કરવાની છે. જે માટે અમે બે દિવસમાં પ્લાન તૈયાર કરી દીધો છે. દિલ્હીની ટીમ દ્વારા આપવામાં આવેલી 21 દિવસની મુદત દરમિયાન વધુ 100 બેડની સુવિધા ઉભી કરી દેવામાં આવશે. > ડૉ. મોના પંડયા, સીડીએમઓ,
સિવિલ હોસ્પિટલ

8 ખામીઓ 21 દિવસની મુદતમાં દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી
દિલ્લીની ટીમે મેડિકલ કોલેજ શરૂ કરવા કરેલા સર્વેમાં મેડિકલ કોલેજ જાન્યુઆરી 2022થી શરૂ કરવા 8 ખામીઓ દૂર કરવા જણાવેલ હતુ. તેમાં 330 બેડ, ઇન્ફ્રાસ્ટ્રાચર, ફેકલ્ટી સહિત ખામીઓ 21 દિવસમાં દૂર કરવા સૂચના આપી હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર સહિત સિવિલ સ્ટાફ મીટિંગો કરીને ખામીઓ દૂર કરવાના કામે લાગી ગયા છે. ત્યારે મેડિકલ કોલેજ ગોધરા ખાતે શરૂ થશે તો વઘુ સુવિધાવાળી સિવિલ હોસ્પિટલથી પંચમહાલ, મહીસાગર તથા દાહોદ જિલ્લાના દર્દીઓને વધુ સારી સારવાર મળશે.

ધારાસભ્યે તમામ મદદની ખાતરી આપી
સિવિલ હોસ્પિટલમાં હાલ તો 230 બેડની સુવિધા છે. વધુ 100 બેડ વધારવા સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજના બિલ્ડીંગનો ઉપયોગ કરી શકશે. તો નર્સિંગ કોલેજને અન્ય જગ્યાએ ખસેડવી પડશે. જયારે સમગ્ર મામલાની જાણ ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીને થતાં તેઓએ સિવિલ હોસ્પિટલ પહોંચીને મેડિકલ કોલેજ ગોધરામાં જ રહે તે માટે ટીમે બતાવેલી તમામ ખામીઓ વહેલી તકે દૂર કરવા જે પણ મદદ જોઇએ તેની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...