ભાસ્કર વિશેષ:ગોધરા કલેકટર કચેરીમાં ધૂળ ખાતા સરકારી વાહનો

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો કે જુના વાહનોની વેચાણ વેલ્યુ દિવસે દિવસે ઘટતી જાય છે. - Divya Bhaskar
જો કે જુના વાહનોની વેચાણ વેલ્યુ દિવસે દિવસે ઘટતી જાય છે.
  • વાહનોની હરાજી નહિ કરીને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે
  • કેટલાંક વાહનોની અંદર તો ઝાડી ઝાંખરાં ઉગી નીકળ્યાં છે

સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓના અધિકારીઓ તેમજ જરૂરી સરકારી કામગીરીઓ માટે લાખોનો ખર્ચ કરીને વાહનો ફાળવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ આ પ્રકારે જિલ્લા કક્ષાએ આવેલી વિવિધ વિભાગોની કચેરીઓમાં સરકારી વાહનો ફાળવવામાં આવ્યા હતા. જે વાહનો અલગ અલગ ટેક્નિકલ કારણોસર ઉપયોગમાં ન લઈ શકાય તેવા હોય અથવા તો લક્ઝુરિયસ વાહનોના ઉપયોગની મહેચ્છા ધરાવતા કેટલાક સરકારી અધિકારીઓ જુના સરકારી વાહનો યેનકેન પ્રકારે કન્ડમ કરીને નવા વાહનો મેળવવા માટે જુગાડ કરતા હોય છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા સેવાસદન 1 અને 2માં પણ જુના-ઉપયોગ વિહોણા સરકારી વાહનો મોટી સંખ્યામાં ધૂળ ખાઈ રહ્યા છે. કેટલાક વાહનોની હાલત એવી બની છે કે વાહનોની અંદર ઝાડી ઝાંખળા ઉગી પડ્યા છે. સરકારના વિવિધ વિભાગોની કચેરીઓમાં સરકાર દ્વારા નવા વાહનો ફાળવવામાં આવ્યા બાદ જુના વાહનોના નિકાલ માટે અધિકારીઓ અને મિકેનિકલ વિભાગ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જેને લઈને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.

ગોધરા ખાતે જિલ્લા સેવાસદન કમ્પાઉન્ડમાં વર્ષ 1996માં ખરીદ કરેલા અને બાદમાં સમયાંતરે કન્ડમ કરેલા વાહનો આજે પણ ધૂળ ખાઈ રહ્યા છે. આ કમ્પાઉન્ડમાં આજે પણ 15 ઉપરાંત જુના વાહનો ધૂળ ખાઈ રહ્યા છે, જુના સરકારી વાહનોનું નિયમ મુજબ વેલ્યુએશન કરી તેની જાહેર હરાજી કરવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી જ નથી. જુના વાહનોનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં ન આવતા જુના વાહનોની વેલ્યુ દિવસે દિવસે ઘટે છે, જેની સીધી અસર સરકારી તિજોરી પર પડતી હોય છે ત્યારે જવાબદારો દ્વારા આ વાહનોનો જરૂરી કાર્યવાહી કરી નિકાલ કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...