ગોધરા-દાહોદ(અમદાવાદ- ઇન્દોર નો નેશનલ હાઇવે નંબર-47 બનાવવા ગોધરા તાલુકાના ગામોના ખેડૂતોની જમીન તેમજ મકાનો સંપાદિત થયેલા હતા. તેવા ખેડૂતોને સરકાર દ્વારા આજ સુધી વળતર નહીં ચૂકવતા ઓરવાડા ગામના ખેડૂત રામસિંહ વણઝારા તેમજ જિલ્લા પંચાયત પંચમહાલના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ હતી. ત્યારે મહેસુલ મંત્રી દ્વારા જે તે વખતે જાહેર કર્યું હતું. કે રાજ્યમાં જમીન સંપાદનના કાયદા હેઠળ સંપાદન થતી જમીનના વળતર અંગે ખેડૂત કે અન્યને અસંતોષ હોય તો કલમ 64 હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજીની ભલામણની જોગવાઈ છે. જેથી ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને સોમવારે રજૂઆત કરી હતી.
ગોધરા-દાહોદ નેશનલ હાઇવે નંબર-47માં ગોધરા તાલુકાના ટીમ્બા, ટુવા, વેગનપુર, ભામૈયા, ગઢ, ચંચેલાવ, લાડપુર, કેવડિયા, વડેલાવ, ઓરવાડા, સંતરોડ ગામના ખેડૂતોની જમીન તથા મકાનો વર્ષ 2010માં સંપાદિત કરી હતી.જેનું વળતર અસરગ્રસ્તોને રૂ.12, રૂ.17 અને રૂ.20ના નજીવા ભાવે મળ્યું છે. જે આપેલા વળતરની રકમ અસરગ્રસ્તોએ વાંધા સહિત સ્વીકારી છે. જે અંદાજે 500 જેટલા અસરગ્રસ્તો છે અને વળતર મેળવવાં માટે ધક્કા ખાઈ રહ્યા છે.
છેલ્લા 8 વર્ષથી કલેક્ટર કચેરીમાં વકીલો દ્વારા રજૂ કરાઇ જે હાલ પણ પડતર છે. ત્યારે આગામી સમયમાં ન્યાય ના મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે જઈ નેશનલ હાઇવે બંધ કરવાની ચીમકી ઉચ્ચારી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરવા માટે મજબૂર બનશે.તેમજ વર્ષ 2018માં ખેડૂતો દ્વારા કરાયેલી અરજી સંદર્ભે પંચમહાલના અધિક ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા જે તે સમયે એક્સન ટેકન રિપોર્ટ તાત્કાલિક મોકલી આપવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.