કોરોનાવાઈરસ:પંચમહાલ જિ.કલેક્ટર સહિત ઘોઘંબા BJP અગ્રણીઓ કોરોનાની ઝપેટમાં

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના પિતા કોરોનાગ્રસ્ત થતાં વડોદરા ખસેડાયા

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઇ રહેતાં કોરોના પોઝિટિવ કેસમાં અનેકગણો વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં કોરોનાએ 1900ના આંકડાને ક્રોસ કરી દીધો છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કલેક્ટરને કોરોના પ્રાથમિક લક્ષણો જણાતાં તેઓને હોમ આઇસોલેશન કરાયા હતા. કલેક્ટર બાદ તેઓના પિતા અવતાર અરોરા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

કલેકટર અને તેઓના પિતા કોરોનાગ્રસ્ત થયા હતા. જિલ્લામાં સરકારી અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટ પેસી ગયો હતો. ગોધરા સબ જેલમાં વધુ એક કેદીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સબજેલના કુલ 5 કાચાકામના કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે. કોરોનાએ રફતાર પકડતાં ઘોઘંબામાં ફેલાઇ રહ્યો છે. ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ છેલુભાઇ રાઠવા, ઘોઘંબા ભાજપ તાલુકા પ્રમુખ ગુણંવતસિંહ ગોહિલ તથા ઘોઘંબા ભાજપ તાલુકા મહામંત્રી ડાહ્યાભાઇને કોરોનાનો ચેપ લાગતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં ફેલાતા કોરોના કાબુમાં કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જરૂરીથી પહેરવું અને સામાન્ય લક્ષણ ધરાવતાં વ્યક્તિઓ ચેકઅપ કરવાથી કોરોના ફેલાવો અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...