વિરોધ:વળતર ચૂકવ્યા વિના થતું ગ્રીન કોરિડોરનું કામ ખેડૂતોએ રોક્યું

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના બોડીદ્રા બુઝર્ગ ગામે ગ્રીન કોરિડોરની કામગીરી અટકાવી દેવાઇ. - Divya Bhaskar
ગોધરાના બોડીદ્રા બુઝર્ગ ગામે ગ્રીન કોરિડોરની કામગીરી અટકાવી દેવાઇ.
  • પંચમહાલમાંથી દિલ્હી મુંબઈ કોરિડોર પસાર થવાનો છે
  • બોડીદ્રા બુઝર્ગ ગામે 25માંથી 12ને જ વળતર અપાયું

કેન્દ્ર સરકારના સડક અને પરિવહન વિભાગ દ્વારા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઇ વચ્ચે ગ્રીન કોરિડોર ની પંચમહાલમા જમીન સંપાદન માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હાઈવેના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીન પર હવે હાઈવેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામના ખેડૂતોએ હાઈવેના નિર્માણ માટે શરૂ કરવામાં આવેલા કામને રવિવારે ખેડૂતોએ અટકાવ્યું હતું. ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામના 25 ઉપરાંત સર્વે નંબરોમાંથી આ હાઇવે પસાર થતો હોય આ તમામ સર્વે નંબરોની જમીન નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવી છે અને તેના બદલામાં 25 ઉપરાંત સર્વે નંબરો ના માલિક એવા 100ઉપરાંત ખેડૂતોને જમીનના બદલામાં રોકડ વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યા બાદ 25 સર્વે નંબર પૈકી 12 સર્વે નંબરના માલિકોને વળતર ચૂકવવામાં આવ્યું છે.

જ્યારે અન્ય બાકી રહેલા સર્વે નંબરોની જમીનના 50 ઉપરાંત માલિકોને વળતર ચૂકવવાનું બાકી છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વળતર ચૂકવવાનું બાકી હોય તેવા ખેડૂતોની જમીનમાં પણ હાઇવેના નિર્માણ માટેનું કામ શરૂ કરવામાં આવતા જમીનના માલિક એવા ખેડૂતોએ આ કામગીરીનો વિરોધ કરી અને પહેલા વળતર આપવામાં આવે અને બાદમાં જ હાઇવેના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે તેવી માગ કરી હાઇવેના નિર્માણ કાર્યને અટકાવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બોડીદ્રા બુજર્ગ ગામમાંથી પસાર થતાં હાઇવે માટે જે જમીન સંપાદન કરવામાં આવી છે તે જમીનમાં મોટાભાગના ખેડૂતોના મકાનો તેમજ તેમના ખેતરોનો પણ સમાવેશ થઈ જાય છે.

ડોક્યુમેન્ટમાં ખામી હોવાથી વળતરમાં મોડું
ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં રહેલી ક્ષતિઓને લઈને વળતર ચૂકવવામાં મોડું થવા પામ્યું છે. જે વહેલામાં વહેલી તકે અને દૂર કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.>શોએબ ચરખા, લાયઝનીગ મેનેજર, NHAI

નેશનલ હાઇવેના અધિ. દોડી આવ્યા
ખેડૂતો દ્વારા હાઇવેના નિર્માણ કાર્ય માટે શરૂ કરવામાં આવેલા કામને અટકાવવામાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદારો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોની રજૂઆત સાંભળી હતી. તેમજ તેઓને જે વળતર ચૂકવવાનું બાકી છે તે અંગેની કાર્યવાહી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પોતાની માગ ઉપર અડગ રહેલા ખેડૂતોએ જ્યાં સુધી વળતર આપવામાં ન આવે ત્યાં સુધી હાઇવે નિર્માણ કાર્યની કોઈપણ કામગીરી શરૂ ન કરવામાં આવે તેવી માગ કરતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવેના નિર્માણ કાર્યનું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે.

જંત્રીના ભાવોના તફાવતથી નુકસાન
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જમીનની જંત્રીના ભાવોમાં જે તફાવત રાખવામાં આવે છે તે તફાવત દૂર કરી અને તમામ ગામોમાં ખેતીલાયક જમીનની જંત્રીનો ભાવ એકસરખો કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો ન આવે.>બાબુભાઇ બારિયા, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...