પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:પંચમહાલની 501માંથી 382 પંચાયતોની ચૂંટણી યોજાશે

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 લાખ કરતાં વધુ મતદારો પોત પોતાના સરપંચ ચૂંટશે : પંચાયતોને સમરસ કરવા ખાટલા મીટિંગો ચાલુ
  • રોટેશન મુજબ મોટા ભાગની પંચાયતની ચૂંટણીઓમાં નવા ઉમેદવારો જોવા મળશે

દિવાળી પુર્ણ થતાં પંચમહાલ જિલ્લામાં રાજકીયનેતાઅો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કામે લાગી ગયા છે. કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીની શકયતાઅોને લઇને પાર્ટીઅો ગ્રામ પંચાયત હસ્તક કરવાની રણનીતીઅોમાં લાગી ગયા છે. ત્યારે તાજેતરમાં રાજય ચૂંટણી અાયોગ દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન મુજબ ફેરફાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાની 365 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માટે સરપંચની બેઠકો તથા તે પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને બિન અનામત તથા તમામ જાતિઓની સ્ત્રીઓ સહિતની બેઠકોની ફાળવણી કરવામાં અાવતા હવે ગ્રામ પંચાયતમાં સત્તા મેળવવા માટે ગ્રામ કક્ષાએ રાજકારણ ગરમાયું છે.

ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં તેઓની બેઠક અનામતમાં પરિવર્તિત થતા ચૂંટણી લડવા થનગનાટ કરતા મુરતિયાઓમાં નિરાશા જોવા મળતી હતી. ત્યારે પંચમહાલની 501 ગ્રામ પંચાયતમાંથી 382 ગ્રામ પંચાયતોમાં અાગામી સમયમાં ચૂંટણી યોજાશે. સ્થાનીક ચૂંટણી અાયોગે ચૂંટણી યોજવા તૈયારીઅોમાં લાગી ગયા છે. જેમાં 382 ગ્રામ પંચાયતના 3336 વોર્ડના 950 બુથ પર મતદાન થશે. જેમાં સાત લાખ કરતાં વધુ મતદારો મતાધીકારનો ઉપયોગ કરશે.

જિલ્લાની 60 જેટલી પંચાયતોની મુદત પૂર્ણ થતા અેપ્રિલમાં લેવાશે તેવી જાણકારી મળી રહી છે. ત્યારે અાગામી ડિસમ્બર માસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાવાની ચર્ચાઅો વચ્ચે રાજકીય નેતાઅો પોતાના વિસ્તારમાં અાવતી ગ્રામ પંચાયતોને સમરસ કરવાની કામગીરીમાં લાગી ગયા છે.

માજી સાંસદે પંચાયતોને સમરસ કરવા માટેની કવાયતો શરૂ કરી
ગ્રામ પંચાયતની ચુંટણી ડિસેમ્બરમાં થવાની છે. તેની વિભાજીત પંચાયતોને હું સમરસ કરવાની કામગીરીમા લાગી ગયો છું. હાલ રાણીયા, જાબુંડી તથા ઘોઘંબાના ધોધ ગ્રામ પંચાયત સમરસ કરી દીધી છે. હજુ બીજી પંચાયતો સમરસ કરવા ગામ લોકોને સમજાવી રહ્યો છું. સમરસ થવાથી ગામનો વિકાસ વઘુ થયા છે. >પ્રભાતસિંહ ચાૈહાણ, માજી સાંસદ ,પંચમહાલ

​​​​​​​દરેક તાલુકા પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થશે
જિલ્લાની કુલ 501 ગ્રામ પંચાયતોમાં 382 ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસમ્બર માસમાં યોજાશે. જેની જાહેરાત ટુક સમયમાં થશે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ગોધરા તાલુકાની 73, કાલોલ તાલુકાની 43, હાલોલ તાલુકાની 81, ઘોઘંબા તાલુકાની 65, જાંબુઘોડા તાલુકાની 24, મોરવા(હ) તાલુકાની 38 તથા શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...