તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:કાલોલ તાલુકાની રાશનની દુકાનમાં સડેલા અનાજ અને કઠોળનું વિતરણ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સડેલા અનાજ-કઠોળનું વિતરણ થતાં સરપંચે અનાજ તપાસ્યું. - Divya Bhaskar
સડેલા અનાજ-કઠોળનું વિતરણ થતાં સરપંચે અનાજ તપાસ્યું.
  • સડેલું અનાજ અધિકારી-નેતાઓને ખાવા મજબૂર કરવાની ચીમકી-સરપંચ
  • ઉપરથી જ સડેલું અનાજ અને કઠોળ આવ્યું હોવાનું દુકાનદારોનું રટણ

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના તમામ રાજ્યોમાં કરાયેલા આંશિક લોકડાઉનને લઈને દેશના ગ્રામ્ય વિસ્તારના લોકોને મફત અનાજ વિતરણ કરવાની જાહેરાત કરાઇ હતી. જે અનુસંધાને પંચમહાલમાં પણ સરકારની આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે. ત્યારે જિલ્લામાં આવેલી 400 ઉપરાંતની સસ્તા અનાજની દુકાનો મારફત હાલમાં વિતરણ કરાઇ રહેલા અનાજ અને કઠોળના જથ્થામાં યોગ્ય ગુણવત્તા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

કાલોલના રામનાથમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં સડેલા અનાજ અને કઠોળનું વિતરણ થઇ રહ્યું હોવાનો આક્ષેપ ગામના સરપંચે કર્યો હતો. સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાઇ રહેલા અનાજ અને કઠોળ પૈકી ચણા તેમજ મકાઈમાં જીવાત પડી ગઇ હોવાનું સામે આવ્યું છે. સરપંચે સડેલા અનાજના જથ્થાને લઇને સોશિયલ મીડિયાનો સહારો લઇને સમગ્ર મામલાને ઉજાગર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જ્યારે પુરવઠા મામલદાર દ્વારા અનાજ અને કઠોળનો જથ્થો યોગ્ય અને ગુણવતાયુકત આવતો હોવાનો રાગ આલાપ્યો હતો. ત્યારે સરકાર પાસે સારું ગુણવત્તાયુક્ત અનાજ અપાય તેવી માગ કરી રહ્યા છે. જો ગુણવત્તાયુક્ત જથ્થો અપાતો હોય તો ગણતરીના દિવસોમાં જ મકાઈ અને ચણામાં જીવાત કેવી રીતે પડી જાય? તેને તાત્કાલિક બદલી યોગ્ય ગુણવત્તાયુક્ત અનાજ આપીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની સરપંચે માગ કરી છે.

સરપંચે સડેલાં અનાજ બાબતે ફરિયાદ નોંધાવી
જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામના સરપંચ નિરવ પટેલ દ્વારા સડેલા અનાજના મામલાને લઈને સોશિયલ મીડિયાનો સહારો લઇ સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવતા સડેલાં અનાજ બાબતે ફરિયાદ નોંધાવી છે.તેમજ વિતરણ કરવામાં આવી રહેલા સડેલા અનાજને રાંધીને જવાબદાર અધિકારીઓ તેમજ નેતાઓને ખવડાવવા માટે મજબૂર કરાશે તેવી ચીમકી સોશિયલ મીડીયામાં આપી હતી.

જીવાત પડેલંુ અનાજ આપવામાં આવ્યું છે
પુરવઠા નિગમ દ્વારા એન.એફ.એસ.એ કાર્ડ ધારકો તેમજ પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોને મૂલ્ય રહીત તેમજ મૂલ્ય સહિત આપવાનો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાન દ્વારા આપવાનો હોય છે. પણ હાલમાં વિતરણ કરવા માટે આપવામાં આવેલ મકાઈ અને ચણા સડી ગયેલા તેમજ જીવાત પડેલા અપાયા છે. >પાર્થ પટેલ, દુકાન સંચાલક

ફરિયાદ આવશે તો જથ્થો બદલી અપાશે
જિ.પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો પર અપાયેલ સડેલી મકાઈ બાબતે કોઈ ફરિયાદ આવશે તો જથ્થો બદલી અપાશે. આ મકાઇ ગ્રેડિંગ,પેસ્ટકન્ટ્રોલ કરીને અપાઇ છે.> જીતેન્દ્ર દરજી, ના.મામલતદાર, જિલ્લા પુરવઠા નિગમ, ગોધરા

અન્ય સમાચારો પણ છે...