પેટાચૂંટણીનું પરિણામ જાહેર:પંચમહાલ, દાહોદ, મહીસાગરની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપને 6, કોંગ્રેસ અને અપક્ષનો 1-1 સીટ પર વિજય

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા નગરપાલિકાની 2 સીટ પર તથા ખેમપુર તાલુકા પંચાયત સીટ પર ભાજપ વિજય મેળવતા ઉજવણી કરતા કાર્યકરો. - Divya Bhaskar
લુણાવાડા નગરપાલિકાની 2 સીટ પર તથા ખેમપુર તાલુકા પંચાયત સીટ પર ભાજપ વિજય મેળવતા ઉજવણી કરતા કાર્યકરો.
  • કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઇ, ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે રસાકસી થઇ હતી

ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં 74 ટકા જેટલું મતદાન થયું હતું. મંગળવારના રોજ નદીસર તાલુકા પંચાયતની સીટની મતગણતરી ગોધરા મામલતદાર કચેરીમાં સવારે શરૂ થઇ હતી. મામલતદાર કચેરી ખાતે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે રસાકસી જોવા મળી હતી. જેમાં કુલ 7137 મતમાંથી 5323 મતોનું મતદાન થયું હતું. મત ગણતરીમાં શરૂઆતના તબક્કામાં ભાજપના ઉમેદવારને સરસાઇ મળી હતી. મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર રાધાબેન પરમારને 3056 મત મળ્યા હતા.

જ્યારે આપના ઉમેદવાર ચેતનાબેન પુવારને 2026 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિનાબેન પરમારને 152 મત અને અપક્ષ ઉમેદવાર રંજનબેનને 40 અને નોટામાં 49 મત પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવારનો 1030 મતની સરસાઇથી વિજય થયો હતો. નદીસર તા.પં.ની બેઠકની ચૂંટણીએ ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો હતો. ભાજપ કાર્યકરો દ્વારા મતદાનના છેલ્લા કલાકો સુધી એડીચોટીનું જોર લગાવી દેવાયું હતું. તા.પં. સભ્ય તરીકે ચુંટાઈ આવેલ રાધાબેન પરમાર વિજયી બનતાં ટેકેદારો ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 152 મત મળતાં તેમની ડિપોઝિટ ગુમાવી હતી.

ગરબાડા તાલુકા પંચાયતની સીમલયાબુઝર્ગ સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થતાં ઉજવણી કરાઇ હતી.
ગરબાડા તાલુકા પંચાયતની સીમલયાબુઝર્ગ સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થતાં ઉજવણી કરાઇ હતી.

સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયતની સીટ પર 11 મતથી અપક્ષે બાજી મારી
દાહોદ જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયતની ખાલી બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું મંગળવારે મતગણતરી થઇ હતી. દાહોદ તાલુકાના આગાવાડા બેઠક ઉપર ભાજપના સુરેશભાઇ મેઘજીભાઇ પરમાર 1624 મતની લીડથી વિજેતા થયા હતાં. તેવી જ રીતે દેવગઢ બારિયા તાલુકાના કેલિયા ગામે ભાજપના રમેશભાઇ સુમતભાઇ બિલવાલ 3542 મતની લીડથી વિજેતા થયા હતાં. ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ સીટની વાત કરીએ તો ત્યાં અપક્ષ બાજી મારી ગયું છે. જેમાં અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાને 859 મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર લલિતભાઈ પરમારને 849 મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવારનો 11 મતે વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ સીટ પર 4 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું.

બાલાસિનોરના પાંડવાની તાલુકા પંચાયતની સીટ પર ભાજપે વિજય મેળવતાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.
બાલાસિનોરના પાંડવાની તાલુકા પંચાયતની સીટ પર ભાજપે વિજય મેળવતાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

બાલાસિનોરના પાંડવાની તાલુકા પં.ની સીટ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી
બાલાસિનોર તાલુકા પંચાયતની પાંડવા એક ની બેઠક પર કોંગ્રેસના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં ખાલી પડેલ સીટ પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયેલ જેની ગણતરી બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે મંગળવારે રાખવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના શાંતાબેન જશવંતસિંહ ચૌહાણને 1351 મત જ્યારે ભાજપના ભાજપ ચંપાબેન રાયસિંગ ચૌહાણને 2082 મત જ્યારે 92 મત નોટામાં નોંધાયા હતા. આમ પાંડવા 1 તાલુકા પંચાયત સીટ પર 731 મતથી ભાજપનો વિજય થયો હતો. ધારાસભ્યના ગામની તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ પાસેથી 20 વર્ષ બાદ ભાજપે આંચકી લેતાં કાર્યકરોમાં ખુશી ફેલાઇ હતી. વિજયી બાદ બાલાસિનોર નગરમાં ડીજેના તાલે, ગુલાલ અને ફટાકડા ફોડીને ભાજપના કાર્યકરોએ વિજયી સરઘસ કાઢ્યું હતું.

લુણાવાડા પાલિકાની 2 સીટ પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો વિજય
લુણાવાડા નગરપાલિકાના ત્રણ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાતાં ત્રણ વોર્ડની ત્રણ બેઠકો અને ખેમપુર તા.પં. સીટના ઉમેદવાર રાજુભાઈ પટેલનું કોરોનામાં મૃત્યુ થતાં ખેમપુર તા.પં.સીટની પેટા ચૂંટણી 3 ઓક્ટોબરે યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના વોડ નં-4માં કોંગ્રેસના સુમિત્રાબેન ભોઈનો 1030 મતોથી જ્યારે વોર્ડ-5માં ભાજપના બીનીતાબેન દોશીનો 972 મતો અને વોર્ડ નં-7માં ભાજપના દક્ષેશકુમાર પટેલિયાનો 981 મતોથી વિજય થતાં નગરપાલિકાની 3માંથી 1 કોંગ્રેસ અને 2 સીટ પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ખેમપુર તા.પં. સીટમાં ભાજપના રમણભાઈ ખાંટનો 1958 મતોથી વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...