હુમલો:ગોધરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, એક લોહીલુહાણ

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાની મુસ્લિમ સી સોસાયટીમાં પોલીસ પર હથિયારથી હુમલો
  • પોલીસને છરો મારીને આરોપી મસ્જિદમાં જતાં પોલીસે પકડી પાડ્યો

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસમથકે નોંધાયેલા પશુ ક્રૂરતા નિવારણ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ જેવા ચાર જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી ઈરફાન અબ્દુલ મજીદ પાંડવા ઉર્ફે ઈરફાન વેજલિયાની અટકાયત કરવા 14મી નવેમ્બરે પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસ સ્ટાફ બપોરના સમયે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સી સોસાયટીમાં હારુન મસ્જિદ નજીક આવેલા તેના ઘરે ગઈ હતી.

પોલીસે આરોપી ઈરફાન વેજલીયાના ઘરમાં પકડવા જતાં આરોપીએ પલંગ નીચેથી ધારદાર બે છરા કાઢીને બંને હાથમાં લઈને ઊભો થઈને ઈરફાન વેજલીયો છરા વિંજતો પોલીસ તરફ ધસી આવ્યો હતો. આરોપીએ બંને હાથમાં છરા બતાવીને જણાવ્યું હતંુ કે કોઈ પણ પોલીસ મને પકડવા આવશે તો હું તમારામાંથી કોઈ એકને મારી નાંખીશ, તમને બધાને જાનથી મારી નાંખીશ, કોઈએ આગળ આવવું નહિ, મારા હાથમાં છરો છે, તમે જતાં રહો, તેમ કહી ઈરફાન પાંડવા પોલીસ તરફ મારવામાં ઇરાદે ધસી ગયો હતો, જેમાં કોન્સ્ટેબલ ચિરાગકુમારને જમણા હાથના બાવડાના ભાગે છરાનો ઘા વાગતા પોલીસકર્મીને લોહીલૂહાણ થઈ ઇજાઓ પહોંચી હતી.

જેને લઇને અન્ય પોલીસકર્મીઓએ છરો ખેંચી લેવા પ્રયત્ન કરતા ઈરફાન પાંડવાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને ઘરની દિવાલ કૂદીને નાસી જવા પ્રયત્ન કર્યો હતો. જેને લઇને પોલીસે તેનો પીછો કરતા આરોપીએ પોતાના હાથમાં રહેલો એક છરો પીછો કરી રહેલી પોલીસ પર છૂટો ફેંક્યો હતો. તેમ છતાં પોલીસકર્મીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના કુખ્યાત આરોપીનો પીછો ન છોડ્યો હતો. આરોપી ઇરાફાન નજીકમાં આવેલી અક્સા મસ્જિદમાં જતા પોલીસે તેનો પીછો કરીને તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. અને પોલીસે તેમાં હાથમાં રહેલો છરો શિફતપૂર્વક ખેંચી લીધો હતો.

આરોપી ઈરફાન પાંડવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી ઈરફાન પાંડવાના ઘર પાસે રહેલી ચોરીના ગુનામાં વપરાયેલી પલ્સર બાઈક કબજે લેવામાં આવી હતી.

આમ પંચમહાલ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વિના કુખ્યાત અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝબ્બે કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલો કરવા અંગે અને પોલીસની ફરજમાં રુકાવટ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. આ બનાવ અંગેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ.એ. સિસોદિયાને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...