બેઠક:પંચમહાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને પૂર્વ તૈયારીની ઉચ્ચતરીય સમીક્ષા બેઠક મળી

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાઓ, બેડ્સ, ઓક્સિજનનો પુરવઠો, વેન્ટિલેટર, મેડિકલ સ્ટાફની સમીક્ષા

પંચમહાલ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોના કેસમાં ઉછાળો અાવી રહ્યો છે. જેને લઇને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને ગોધરા જિલ્લા સેવા સદન ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં આરોગ્ય રાજયમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને થર્ડ વેવ સંદર્ભે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

કોરોના સંક્રમણની દ્વિતીય લહેરની સરખામણીએ ત્રીજી લહેરના સમયે સંભવિત દૈનિક કેસો, મહત્તમ સક્રિય કેસોની સંખ્યા અને તે પ્રમાણે ટેસ્ટીંગ કીટસ, બેડસ, વેન્ટિલેટર, ઓક્સિજનની પૂર્વ તૈયારીઓના આયોજન તેમજ મેડિકલ ફેસિલિટીઝ પર ખૂટતા ડોક્ટર, નર્સ, લેબ.ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતના પેરામેડિકલ સ્ટાફની સમયસર ભરતી કરી લેવા જણાવ્યું હતું.

જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે કેસોની સંખ્યા વધવાના દરને ધ્યાનમાં રાખીને આરટીપીસીઆર ટેસ્ટની સુવિધાઓ ઉભી કરવા તેમજ ટેસ્ટના પરિણામ ઝડપથી મળે તેવી સૂચના આપી હતી. કોરોના સારવારમાં વપરાતી દવાઓનો સ્ટોક અંગે વિગત મેળવતા ગ્રામીણ સ્તરના કેન્દ્ર સુધી આ દવાઓ ઉપલબ્ધ કરવા જણાવ્યું હતું.

ઓક્સિજન સ્ટોરેજની સુવિધાઓ સાથે તમામ પ્લાન્ટસ વહેલી તકે કાર્યરત થાય તે દિશામાં કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. પીએમજેએ વાય- મા કાર્ડ હેઠળ કોરોનાની સારવાર આવરી લેવાઇ છે ત્યારે આ કાર્ડ હેઠળ મહત્તમ લોકોને આવરી લેવાય તે અંગે કામ કરવા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. જ્યાં કેસ વધુ પ્રમાણમાં આવ્યા છે ત્યાં ધનવન્તરી રથોનો ઉપયોગ કરી ઉકાળા, કોરોના પ્રતિરોધક હોમિયોપેથીક દવાઓનું વિતરણ, ટેસ્ટિંગ હાથ ધરશે. પોઝિટિવ આવેલા લોકોને ઘરે બેઠા જોઈતી સારવાર અને દવાઓ પણ પૂરી પાડવા તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...