ગોધરામાં વધુ એક માટી કૌભાંડ:ભલાણીયા તથા નાની કાંટડીની સરકારી ગૌચર જમીનમાંથી 9 કરોડની માટી ચોરીનો પર્દાફાશ

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિઝોલ ગામે ખોદેલ જમીનનું પુરણ ચાલુ કર્યું - Divya Bhaskar
વિઝોલ ગામે ખોદેલ જમીનનું પુરણ ચાલુ કર્યું
  • ખાનગી કોન્ટ્રાકટરને નોટીસ આપવા છતાં જવાબ આપ્યો ન હતો : જિલ્લાની ગૌચર જમીનોની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે
  • ટીડીઓની તપાસમાં 10 હેકટર ગૌચરમાંથી માટી ચોરી થઇ
  • તંત્રની તપાસ શરૂ થતાં કોન્ટ્રાકટરે વિઝોલની જમીનમાં પુરણ ચાલુ કર્યુ​​​​​
  • માટી ચોરી પ્રકરણમાં પંચાયતોને નોટીસ બાદ કાર્યવાહી કરાશે : TDO
  • રીપોર્ટ વડી કચેરીમાં મોકલ્યા બાદ કોન્ટ્રાકટર પર કાર્યવાહી કરાશે
  • ​​​​​સરકારી જમીનમાં ખોદકામ થયુ ત્યાં સુધી તંત્ર જ અજાણ હતું ? સવાલ

પંચમહાલ જિલ્લામાં દિલ્લી મુંબઇ કોરીડોર હાઇવેની કામગીરી ચાલી રહી છે. અા હાઇવે બનાવવા હજારો ટન માટીની જરૂર પડતી હોવાથી કંપનીઅો દ્વારા ખાનગી કોન્ટ્રાકટરને કામગીરી સોંપીને ખાણખનીજ વિભાગની મંજુરીથી ખોદકામ કરીને માટીનો ઉપયોગ હાઇવેમાં કરી રહ્યા છે. ત્યારે ગોધરા તાલુકાના કેટલાક ગામોની સરકારી ગૌચર જમીનમાં કન્ટ્રકશન કંપની હજારો ટન માટીની ચોરી કરી રહ્યા હોવાની રજુઆત સી એમ ડેસ્કને મળી હતી.

નાની કાટડીમાં તળાવ બન્યા
નાની કાટડીમાં તળાવ બન્યા

જેને લઇને ગોધરા ટીડીઓ દ્વારા ભલાણીયા અને નાની કાંટડીની સરકારી ગૌચર જમીનમાં તપાસ કરતા અેમસીસી ઇન્ફોટેક કંપની દ્વારા હજારો ટન માટીનું ખોદકામ કરી નાખ્યું હોવાનું બહાર અાવ્યું હતું. કંપની દ્વારા ગૌચર જમીનમાં 100 ફુટ કરતાં વધારે ખોદકામ કરતાં ગૌચર જમીનો તળાવમાં ફેરવાઇ ગઇ હતી. સરકારી ગૌચર જમીનમાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવાની ન હોવા છતાં ખાનગી કંપની દ્વારા માટી ચોરીને હાઇવેમાં ઉપયોગ કર્યો હતો.

ટીડીઓ તથા તેમની ટીમ ભલાણીયા અને નાની કાંટડી પહોચીને તપાસ કરી હતી. બંને ગામની 10 હેકટર કરતાં વધુ ગૌચર જમીનના ખોદકામ કરેલ જગ્યાની માપણી કરતાં બંને ગૌચર જમીનમાંથી રૂા.9 કરોડ જેટલી માટીની ચોરી થઇ હોવાનું ટીડીઅોની તપાસમાં બહાર અાવ્યું હતું. ગૌચર જમીનમાંથી માટી ચોરી પ્રકરણ પકડાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ખાનગી કંપનીઅે ખુલાસો અાપ્યો નહિ
ગોધરાની નાની કાંટડીની ગૌચર જમીનમાંથી માટી ચોરી અેમ.સી.સી. ઇન્ફોટેક દ્વારા કરી હોવાનું પુરવાર થતાં ટીડીઅો તથા તેમની ટીમ ઇન્ફોટેક કંપનીની અોફિસ અંબાલી ખાતે જતાં અોફિસના સત્તાધીશો દ્વારા યોગ્ય જવાબ અાપ્યો ન હતો. અોફિસનું સચાલક કરતાં ઇન્ડોટેકના પી.અાર. ચોધરીને ગૌચર જમીનમાંથી માટી ચોરીનો યોગ્ય ખુલાસો અાપવા જણાવવા છતાં સાઇડના ઇન્ચાર્જે કોઇ પણ પ્રકારનો સહયોગ અાપ્યો ન હોવાથી ટીડીઓઅે ખાણખનીજ વિભાગને 10 હેકટર કરતાં વધુ ગૌચર જમીન અંદાજીત 9 કરોડ જેટલી માટી ચોરી કરતાં તેઅોની સામે માટી ચોરી કર્યાનો દંડ સહીતની કાર્યવાહી કરતો પત્ર લખ્યો હતો.

વિઝોલ ખાતે જમીનને સમતલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ
ગોધરા ટીડીઅો ગૌચર જમીનમાં માટી ચોરીની તપાસ કરી રહ્યા હોવાની કન્ટ્રકશન કંપનીને જાણ થતાં તાલુકાની જેટલી પણ ગૌચર જમીનમાં ખોદકામ કર્યું છે તેવી જમીનનોમાં માટીથી પુરવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. અેવી જમીન વિઝોલ તળાવની બાજુની જમીનમાં ખોદકામ કરતાં 6 જેસીબી મશીન અને 15થી વધુ વાહનોથી ખોદેલી જમીન પુરવાનુ ચાલુ કર્યું છે. તો અા જમીન ગૌચર છે કે નહી તેની પણ તપાસ થવી જોઇઅે.

માટી ચોરી પ્રકરણનો રીપોર્ટ વડી કચેરીઅે મોકલી આપવામાં આવ્યો છે
માટી ચોરી થતી હોવાની રજુઅાત અાવતાં તપાસ કરતાં નાની કાંટડી અને ભલાણીયા ગામની 10 હેકટર કરતાં વધુ ગૌચર જમીનમાંથી 9 કરોડ રૂપિયાની માટી ચોરી અેમ.સી.સી. ઇન્ફોટેક દ્વારા કરવામાં અાવ્યું છે. જેનો રીપોર્ટ વડીકચેરીઅે મોકલ્યોછે. તેમજ ગ્રામ પંચાયતની ગૌચર સાચવવાની જવાબદારી હોવાથી તેઅોની સામે પણ કાર્યવાહી કરવા જાણ કરી છે. ભલાણીયાના સરપંચે માટી ચોરી અંગે જાણ કરી હતી.>જે.અાર. સોલંકી, ટીડીઓ

ખાણખનીજ વિભાગની મીલીભગત હોવાનો અાક્ષેપ કરવામાં આવ્યો
ગ્રામ પંચા.માં અાવીને કંપનીના અધીકારીઅોને જિલ્લાના ઉચ્ચ અધિકારીઅે માટી ખોદવાની સુચના અાપી છે. તેમ કહીને ગૌચર જમીનમાંથી માટી ચોરી કરીને લઇ ગયા છે. પશુઅોના ધાસચારા માટે રાખવામાં અાવેલી ગૌચરમાંથી માટી ચોરી ખાણખનીજ વિભાગની મીલીભગતથી થઇ હોવાનો મારો અાક્ષેપ છે. ગૌચર જમીનને પાછી સમતલ કરીને માટી ચોરો સામે કાર્યવાહી કરાય તેવી માંગ છે.>ગોપાલ પટેલ, કારોબારી સભ્ય, ગુજરાત પ્રદેશ ભાજપ

ખાણ-ખનીજ વિભાગ અજાણ ?
જિલ્લામાંથી અેક રેતી ભરેલું ટ્રેકટર પસાર થયા તો ખાણખનીજ વિભાગને જાણ થઇ જાય છે તો અા તો ગૌચર જમીનમાંથી લાખો ટન માટી ચોરીને વાહનોમાંથી ભરીને લઇ જતાં હોવા છતાં ખાણખનીજ વિભાગને કોઇ જાણ ન હતી

અન્ય સમાચારો પણ છે...