ભાસ્કર વિશેષ:પંચમહાલમાં 5થી 7 જાન્યુ. કમોસમી વરસાદની શક્યતા, વારંવારના માવઠાથી ખેડૂતો પરેશાન

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાને લઇને ખેડૂતોને સાવચેત રહેવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હવામાન ખાતાના અહેવાલ મુજબ તા. 5 અને 6 જાન્યુઆરીના રોજ પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ સાથે માવઠા એટલે કે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. આવા સંજોગોમાં પંચમહાલ જિલ્લામાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતનાં રવિ પાકો વગેરેનું વાવેતર થયું છે.

જેને લઈને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સાવચેતીના પગલાઓ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈને ખેતરમાં કપાસ, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી તથા સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસના પાકમાં વીણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવાની કાળજી લેવા જણાવાયું છે.

ઉભા પાકમાં પિયત ટાળવું. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવા તેમજ તેમજ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા તેમજ ઘાસચારાનાં ઢગલા ગોડાઉનમાં ખસેડી લેવા પણ યાદીમાં જણાવાયું છે.

ઇયળોથી પાકને બચાવવા દવાનો છંટકાવ કરવો જરૂરી
ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણિક દવાના છંટકાવ દ્વારા તેમના પર નિયંત્રણ લાવવા એક પંપમાં 30 મિલી ક્વિનાલફોસ (0.05 ટકા) અથવા 30 મીલી ક્લોરપાયરીફોસ (0.04 ટકા) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (05 ટકા) ઘન એક પંપમાં 03 થી 04 ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં 15 દિવસનાં અંતરે બે વાર છંટકાવા કરવા ભલામણ કરવામાં આવી છે.

વધુમાં શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે. રવિ પાકોનું થતું નુકસાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ સેવકનો તથા કિસાન કોલ સેન્ટરનાં ટોલ ફ્રી નંબર 18001801551 પર સંપર્ક કરવા ખેડૂતોને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...