કોરોના બેકાબૂ:પંચમહાલ જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેના પ્રથમ દિવસે 25 હજારના ડેટા એકત્રિત કરાયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ અને કાલોલમાં સર્વેની કામગીરી શુક્રવારે શરૂ કરાઇ

પંચમહાલ જિલ્લામાં કોરોનાની રસીકરણ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી ગુરૂવારથી શરુ કરવામાં આવી છે. ચાર દિવસમાં જ તમામ સર્વેની કામગીીર પુર્ણ કરવા કલેકટરે સૂચનો આપ્યા છે. કોવિડ-19 રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ વેક્સિનેશન માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને સાંકળી લેવામાં આવ્યા છે, બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાનો કોઈ પણ નાગરિક સર્વેની કામગીરીમાં ચૂકી ન જાય તેના માટે ભાર મૂકવામાં આવ્યો છે, આ કામગીરી માટે હાલમાં શિક્ષકો, આશાવર્કર બહેનો, આરોગ્યકર્મીઓ, બીએલઓને જોડવામાં આવ્યા છે, તો પંચમહાલ જિલ્લામાં હાલોલ અને કાલોલ તાલુકાને બાદ કરતાં તમામ પાંચ તાલુકાઓમાં પ્રથમ દિવસે 25 હજાર ઉપરાંત લોકોના સર્વે કરવામાં આવ્યા હતા, આરોગ્ય વિભાગના વેક્સિનેશન માટેના સર્વેમાં 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ કો-મોર્બીડીટી ધરાવતા લોકોને સર્વેમાં ખાસ સાંકળવા માટે ભાર મૂકવામાં આવ્યો છે.

પંચમહાલમાં કોરોનાના 3 કેસ
પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-19 સંક્રમણના 3 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3456 થવા પામી છે. 18 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 191 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 3 કેસો મળી આવ્યા છે. જે પૈકી હાલોલમાંથી2 કેસ અને કાલોલ શહેરમાં 1 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2524 કેસ નોંધાયા છે.જયારે શુક્રવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી અેક પણ કેસ મળી અાવ્યો ન હતો. સારવાર બાદ સાજા થતા કુલ 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3134 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 191 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. જયારે જિલ્લામાં કોવિડથી 68 અને નોન કોવિડથી 55 દર્દીઅોના મોત થયા હતા.

મહીસાગરમાં 5 કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં શુક્રવારે બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી 1 પુરૂષ, કડાણા તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, વિરપુર તાલુકાની 1 સ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોના કુલ 1819 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 3 પુરૂષ, કડાણા તાલુકાની 1 સ્ત્રી, ખાનપુર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 3 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, 2 પુરૂષ, વિરપુર તાલુકાના 2 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં વતાં સ્વગૃહે પરત ફર્યા છે.આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1681 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 35 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 43 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ / કોરોનાના કુલ 96127 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 559 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 89 દર્દીઓ સ્ટેબલ, 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...