તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:25% વૃદ્ધોનું રસીકરણ, હજુ 75% સુવિધાના અભાવથી વંચિત

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લામાં 60 વર્ષથી ઉપરના કુલ 2.13 લાખ વૃદ્ધો છે, જેમાંથી 59,900ને બંને ડોઝ અપાયા : ટૂંક સમયમાં વૃદ્ધોના રહેણાક નજીક રસીકરણ કેમ્પ શરૂ કરાશે - કલેકટર
  • જિલ્લામાં 120થી વધુ વૃદ્ધોના કોરોનાથી મોત

પંચમહાલમાં કોરોના મહામારીમાં સરકારી આંકડા મુજબ કોવિડ અને નોન કોવિડથી 220 જેટલા જિલ્લાવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેમા 60 વર્ષથી વધારે ઉંમરવાળી 120થી વધુ વ્યક્તિના મોત કોરોનાથી થયા છે. પ્રથમ અને બીજી લહેરમાં વૃદ્ધોને કોરોનાની વધુ અસર થવાથી તેમના મોતનો આંકડો વધારે થયો હતો. જિલ્લામાં મતદારયાદી મુજબ 60થી વધુ ઉંમરના કુલ 2,13,289 લોકો છે.

સરકાર દ્વારા 60 પ્લસ ઉંમરવાળાને રસીકરણની શરૂઆત કરાઇ હતી. પણ રસીકરણ કેન્દ્ર વૃદ્ધોના રહેણાકથી દૂર હોવાથી તેઓ રસીકરણ કેન્દ્ર સુધી આવી શકે તેમ ન હતા. હાલ જિલ્લામાં કુલ 2.13 લાખ વૃદ્ધોમાંથી ફક્ત 59,907ને કોરોના વેક્સિનેશનના બંને ડોઝ મૂકાયા છે. જ્યારે બાકીના 1,53,382 વૃદ્ધો રસીથી વંચિત રહ્યા છે.

જિલ્લાના રસીકરણ સેન્ટર ઘરથી દૂર હોવાથી વૃદ્ધો સેન્ટર સુધી આવી શકતા નથી. તેમજ વૃદ્ધો માટે રસીકરણની સુવિધા ન હોવાથી વૃદ્ધો રસીથી વંચિત રહ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વૃદ્ધોના ઘર પાસે જ વેક્સિનેશન સેન્ટર ખોલવા કહ્યું છે, પણ તેનું પાલન ન કરાતાં જિલ્લાના 75 ટકા વૃદ્ધો રસીથી વંચિત રહ્યા છે. જિલ્લાના વૃદ્ધોને રસીકરણ કરવા માટે સ્થાનિક તંત્ર આગામી સમયમાં વૃદ્ધો માટે અલગ વ્યવસ્થા ઉભી કરશે તેમ કલેકટરે જણાવ્યું હતું.

દિવ્યાંગોને રસીકરણ સેન્ટર પર જવાની નોબત
કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગો માટે રસીકરણ કેન્દ્ર તેઓના ઘર નજીક હોવા જોઇએ તેમજ તેઓને પ્રાથમિકતા અાપવાની સૂચના અપાઇ છે. તેમ છતાં જિલ્લામાં 10,844 દિવ્યાંગ માટે કોઇ સુવિધા નથી. વેક્સિનેશન સેન્ટર પર તેઓ માટે અલગથી સુવિધા ન હોવાથી તેઓને લાઇનમાં ઉભા રહેવું પડે છે.

જિલ્લામાં 1.53 લાખ વૃદ્ધોનું રસીકરણ બાકી
જિલ્લામાં મતદાર યાદી મુજબ 2,13,289 વૃદ્ધોમાં 60થી 69 વર્ષના 1,22,776, 70થી 79 વર્ષના 62,907 તથા 80 વર્ષથી ઉપરના 27,606 વૃદ્ધો છે. જેમાંથી કોરોનાનો પ્રથમ ડોઝ 1,25,094 વૃદ્ધોને અપાઇ ચુકયો છે. જયારે બીજો ડોઝ 59,907 વૃદ્ધોને અપાયો છે. ત્યારે બાકીના 1.53 લાખ વૃદ્ધોનું રસીકરણ થયું નથી. ત્યારે વૃદ્ધોનું રસીકરણ તંત્ર માટે કપરા ચઢાણ બરાબર છે.

રસીકરણ કેન્દ્ર પોતાના ઘર પાસે શરૂ કરાશે
તંત્ર વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલાયદી તૈયારીઓ કરી રહ્યું છે. તેઓની યાદીઓ બનાવીને તેઓના ઘર પાસે રસીકરણ સેન્ટર ખોલાશે. હાલ 45થી ઉપરના દિવ્યાંગો માટે ઘર પાસે સુવિધા અપાશે. > અમિત અરોરા, કલેકટર

અન્ય સમાચારો પણ છે...