મતદાર... આજે તમારી પર જ:પંચમહાલ, દાહોદ, મહીસાગરની 939 ગ્રામ પંચાયતોમાં 20,06,419 મતદારો ગામના સરપંચ અને વોર્ડના સભ્યોને ચૂંટી કાઢશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેટ પર રહેતા 676 મતદારો માટે તંત્ર બોટમાં રવાના થયું

વહેલી સવારે 7 વાગ્યે શરૂ થઇ સાંજના 6 વાગ્યા સુધીમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. ત્યારેૈ પંચમહાલની 350, દાહોદની 327અને મહિસાગરની 262 ગ્રામપંચાયતો મળી કુલ 939 ગ્રામપંચાયતોના સરપંચ અને વોર્ડના સભ્યોને મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં પંચમહાલ જિલ્લામાં 6,98,062, દાહોદ જિલ્લામાં 8,09,536 અને મહિસાગર જિલ્લામાં 4,98,794 મતદારો મળી કુલ 20,06,419 મતદારો નોંંધવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, તંત્ર દ્વારા મોડી રાત સુધી કમર કસીને આ તમામ ગ્રામ પંચાયતોમાં મતદાન માટે સમગ્ર તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી. ચૂંટણીનું સાહિત્યથી લઇને અન્ય તમામ વ્યવસ્થાઓ તંત્રએ કરી હતી જેમાં સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. પોલીસતંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સંયુક્ત કવાયતો અંતર્ગત બેલેટ પેપર, મતદાન પેટી સહિતની સામગ્રીઓ જે તે બુથો પર પહોંચાડી દેવામાં આવી હતી.

જ્યારે બીજી તરફ ઉમેદવારો દ્વારા પણ મોડી રાત સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો. ગામોમાં મોડી રાત સુધી લોકોના ટોળાં પ્રચાર માટે જણાયા હતાં. જદ્યારે મતદારો પણ મોડી સાત સુધી ઘરની બહાર પોતપોતાના માનીતા ઉમેદવારોના પ્રચારમાં લાગ્યા હતાં. ગામોના ચોરેને ચૌટે માત્ર ચૂંટણીની એક માત્ર જ વાત હતી.

તંત્ર દ્વારા સઘન સુરક્ષાના ભાગરૂપે જિલ્લાઓના વિવિધ મથકોને સામાન્ય, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો તરીકે તારવી લેવામાં આવ્યા છે. ત્યારે અતિસંવેદનશીલ અને સંવેદનશીલ બૂથો પર તંત્રએ પોલીસની સઘન સુરક્ષાની વ્યવસ્થા કરી દીધી છે. આ ઉપરાંત તમામ મતદાનમથકોએ વાહનોની અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

નોંધનિય છે કે સમગ્ર મતદાનની પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા કરવામાં આવી છે. ત્યારે સરપંચ માટે ગુલાબી રંગના બેલેટ પેપર જ્યારે વોર્ડ સભ્ય માટે સફેદ રંગના બેલેટપેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં આદિવાસી વસતી વધુ હોવાને કારણે તમામ ગામોમાં કામ અર્થે અન્ય શહેરોમાં ગયેલા મતદારોને પાછા લાવવા માટે ભારે કવાયતો કરવામાં આવી હતી.

જેમાં કેટલાંક ગામોમાં ઉમેદવારો દ્વારા દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી વાહનો મોકલીને મતદારોને માત્ર એક જ દિવસ માટે મતદાન કરવા માટે બોલાવવામાં આવ્યા છે. શનિવારે મોડી રાત્રે આવા તમામ મતદારો પોતાના વતન ખાતે આવી પહોંચ્યા હતા. જે રવિવારે મતદાન કર્યા બાદ પરત કાર્ય માટે જશે. તમામ તાલુકાઓમાં ચૂંટણીનો ધમધમાટ ભારે જોરશોરથી થયો હતો.

દિવડાકોલોની, ફતેપુરા | આજે મહીસાગર જીલ્લામા 262 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાવાની છે. ત્યારે જીલ્લાના કડાણા તાલુકામાં પણ 39 ગ્રામ પંચાયતની ચુંટણી માટે 243 સરપંચ ઉમેદવાર તેમજ 871 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે દર ચુંટણીમાં તાલુકાના રાઠડા બેટ ગામની ચુંટણી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મહીસાગર નદીના વિશાળ જળાશય વચ્ચે આવેલ રાઠડા બેટ ગામમાં પહોંચવા માટે બસ કે અન્ય કોઈ વાહન ન જતા દર ચુંટણીના સમયે મતદાન સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે હોડી અથવા બોટનો સહારો લેવો પડે છે.

નદીના રસ્તે જવા માટે ચુંટણી પંચ દ્વારા અલગથી આયોજન કરવામાં આવે છે. ત્યારે તાલુકામાં આજે યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન કરવાનુ હોય ત્યારે ચારેકોર પાણીથી ઘેરાયેલા રાઠડા બેટ ગામમાં થનારી ચુંટણી માટે તાલુકાની કર્મચારી ટીમ નદીના રસ્તે બોટ મારફતે રાઠડા બેટ જવા રવાના થઈ હતી. જ્યા 676 મતદાતાઓ દ્વારા આજે મતદાન કરવામાં આવશે. જ્યારે ફતેપુરા તાલુકામા ગ્રામ પંચાયતોની ચુંટણી માટે પણ મોટી સંખ્યામાં વાહનો ખડકી દેવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...