તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પંચમહાલ જિલ્લાના કોરોના વોરિયર્સને કોરોના સેવાયજ્ઞ હેઠળ 10,000 રાશન કિટોનું વિતરણ કરવામાં આવશે

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભરામ પટેલના મુવાડા ખાતેથી મહાનુભાવોએ તાલુકા મથકે જથ્થાનું પ્રસ્થાન કરાવ્યું

કોરોના મહામારી સમયે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના લાભાર્થે યુવા અનસ્ટોપેબલના સહયોગથી ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાનું જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેના ત્રીજા ચરણ અંતર્ગત પંચમહાલના કોરોના કર્મીઓ માટે 10,000 કીટનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જે જથ્થાને ગોધરાના અભરામ પટેલના મુવાડા ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને ડીડીઓ એ.બી. રાઠોડે પ્રસ્થાન કરાવ્યું હતું. 14 થી વધુ ટ્રકોમાં આ જથ્થો દરેક તાલુકા મથકે પહોંચાડી માનદ વેતન, અંશકાલીન વેતન મેળવતા કે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ કર્મીઓમાં 1400 આશાવર્કરો, 850 પાલિકાના સફાઈ કર્મીઓ, 2000 જેટલા આરોગ્ય કર્મીઓ, 1800 જેટલા હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો સહિત જરૂરતમંદ 10,000 જેટલા કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે.

રાજ્યપાલે શરૂ કરેલા “કોરોના સેવાયજ્ઞ”ને ઉમદા અભિયાન તરીકે પ્રશંસા કરતા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની કાળજી રાખવામાં પાછા નહીં પડે તેવો ભાવ અને દિશા આ અભિયાનની છે. આ પ્રસંગે ગોધરા પ્રાંત અધિકારી એન.બી. રાજપૂત, ગોધરા મામલતદાર વિજય આંટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...