હાલોલ સંજરી પાર્કમાં ગુરુવારની રાત્રે નજીવી બાબતે એક શ્રમજીવી પરિવારના યુવકને સ્થાનિક માથાભારે ઇસમે કાનમાં લાફા ઝીકી દેતાં યુવકના કાનનો પરદો તૂટી ગયો હતો. ગંભીર ઈજાઓ સાથેના સર્ટિ સાથે શ્રમજીવી પરિવાર પોલીસમાં ફરિયાદ કરવા જતાં પીઆઇ રજા પર છે કહી પોલીસે બહાનાબાજી કરી ત્રણ દિવસ સુધી ફરિયાદ નહીં લેતાં ન્યાય લેવા નીકળેલ અસરગ્રસ્ત પરિવારને વગર ફરિયાદે પાછા ફરવાનો વારો આવ્યો હતો.
ચેક કરતાં પડદો તૂટી ગયેલો જોવા મળ્યો
ઘટના અંગે નિરામય પોલીક્લિનિકના ડોકટર સુનિલ શાહે જણાવ્યું છે કે ઈરફાન શૈખને રાત્રે લઈને આવ્યા ત્યારે કાનમાંથી લોહી નીકળતું હતું. મારી પાસેના કાન ચેક કરવાના ઓટોસ્કોપ જર્મન મશીનથી ચેક કરતાં કાનનો પડદો તૂટી ગયેલો અને ગંભીર ઈજાઓ હોવાથી સારવાર કરી હતી. 16 એપ્રિલે પોલીસ જમાદાર સર્ટિ લેવા આવતાં મેં સર્ટિ આપેલ. ઈંજરી જોતાં IPC 325.326 હેઠળ ગુનો નોંધવો જોઈએ તેમ જણાવ્યું હતું.
અમે ફરિયાદ લેવાનો પ્રયાસ કર્યો: પોલીસ
સંજરી પાર્કમાં રહેતા ઈરફાન શૈખને નજીવી બાબતે તકરાર થતાં હનિફ બેલીમે કાન પર ઉપરાછાપરી લાફા ઝીકી દેતાં કાનમાંથી લોહી નીકળી કાનનો પડદો તૂટી જતાં કાનમાં બહેરાશ આવી ગઈ છે. આ ઘટનામાં બનાવને 36 કલાક વીત્યા છતાં પોલીસે ફરિયાદ ન નોંધતાં આ અંગે હાલોલ પીઆઇ એ.બી.ચૌધરી એ ગોળ ગોળ વાત કરી અને અમે ફરિયાદ લેવાનો પૂરો પ્રયાસ કર્યો છે તેવો લુલો બચાવ કર્યો હતો.
36 કલાકથી પોલીસ ફરિયાદ લેતી નથીઃ મહેબૂબ શેખ, ઇજાગ્રસ્તના પિતા
મહેબૂબ શૈખે ફરિયાદ માટે ત્રણ દિવસ ધક્કા ખવડાવતાં પોલીસે કરેલ દુર્વ્યવહારની હકીકત વર્ણવી...‘તા 14 એપ્રિલની રાત્રે મારા ઘર નજીક મારા પુત્ર ઈરફાનને સંજરી પાર્કમાં રહેતા હનીફ રફીક બેલીમે નજીવી બાબતમાં કાન પર લાફા ઝીકી માર મારતાં કાનમાંથી લોહી વહેવા માંડ્યું હતું. એ જ હાલતમાં હું તેને લઈ હાલોલ પોલીસમાં રાત્રે 10.25 વાગે લઇ ગયેલ. જ્યાં અમારી અરજી લીધી હતી અને કહેલ કે સવારે આવજો.
બીજા દિવસે કાનમાં વધુ દુખાવો થતાં અમે ખાનગી હોસ્પિટલમાં ગયા જ્યાં ડોકટરે ચેક કરતાં કાનનો પડદો તૂટી ગયો છે કહી સારવાર કરાવી. બાદ ફરિયાદ કરવા સ્વામિ. પોલીસ ચોકી ગયા જ્યાં જમાદારે સાંજે છ વાગ્યા સુધી બેસાડી રાખી સાહેબ નથી સવારે આવજો કહેતાં અમે ઘરે જતા રહ્યા. ત્રીજા દિવસે ફરી અમે સવારે ગયા જ્યાં પોલીસે સર્ટિ લઈ આવો કહેતાં સર્ટિ લાવેલ. મોડી સાંજે ફરી પોલીસે પલટો માર્યો અને કીધું કે હવે તમે સરકારી દવાખાનામાં સારવાર કરાવી ત્યાંનું સર્ટિ લઈ આવો. આથી અમે મોડી સાંજે સરકારી હોસ્પિટલમાં ગયા જ્યાં ડોકટરે કહ્યું કે કાનની ઇજા છે.
અહીં કાનના ડોકટર નથી કે ચેક કરવા મશીન પણ નથી કહી વડોદરા સયાજીમાં ચેક કરાવી ત્યાંથી સર્ટિ લઇ આવો તેમ કહ્યું. બે દિવસથી અમે મજૂરીએ ગયા નથી. પાછા જવાનું ભાડું પણ નથી. 36 કલાકથી વધુ સમય થયો છતાં અમારી ફરિયાદ ન લેતાં પાછા ફર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.