હાલોલમાં બે વર્ષથી સરકાર દ્વારા મંજુર કરાયેલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ગટર યોજનાનું કામ કરતા કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી સતત ટ્રાફીકથી ધમધમતા એવા વડોદરા રોડ, ગોધરા રોડ, કંજરી રોડ, પાવાગઢ રોડ પર ખોદકામ કરી પાઈપલાઈન નાંખ્યા બાદ આડેધડ માટીનું પૂરાણ કરેેલ હોવાથી ત્યાંથી પસાર થતાં હેવી લોડીંગ વાહનો સહિત ઘણા બધા વાહનો ખાડાઓમાં ફસાતાં નુકશાની થાય છે.
ગુરુવારે વડોદરા રોડ પર આવેલ મહારાજા સોસાયટી પાસે મુખ્ય રોડ પર એક પાણીનું ટેન્કર ખાડામાં ફસાતાં પાણીનો જથ્થો રોડ પર વહી જતાં પાણીનો વેડફાટ થયો હતો. ટેન્કરને જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢલ હતું જે બાદ ખાનગી ટ્રાવેલ્સની બસ આજ રોડ પર ખાડામાં ખાબકી હતી જેમાં બસના આગલું ટાયર ખાડામાં ફસાતા ફરી એક વાર જેસીબીની મદદ લેવાઈ હતી. જેમાં બસને જેસીબી મશીન પણ ખાડામાં ફસાયુ હતું.
રોડ પર અપૂરતા પૂરણ કરેલ ખાડામાં ફસાતા વાહન માલીકોને વાહનોની નુકશાની સહિત તેને બહાર કાઢવાનો ખર્ચ ભોગવવાનો વારો આવતા સમયના વેડફાટની સાથે સાથે આર્થિક નુકશાની પણ ભોગવવી પડતા ગટર યોજનાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સામે અને સતત કોન્ટ્રાક્ટરની કામગીરીને છાવરતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. હાલોલ નગરના મોટા ભાગના રોડ રસ્તાની આવી પરિસ્થિતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી તેની નોંધ કે દરકાર લેવામાં કેમ નથી આવતી ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.