આંતરરાજ્ય ટોળકી હોવાનું અનુમાન:ATM ચીરી નાખ્યું, પોલીસ આવતાં ચારે ભાગ્યા, રૂા.18 લાખ બચી ગયા

હાલોલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
BOBના એટીએમને ગેસ કટરથી તોડી તસ્કરોએ નિશાન બનાવ્યુ - Divya Bhaskar
BOBના એટીએમને ગેસ કટરથી તોડી તસ્કરોએ નિશાન બનાવ્યુ
  • હાલોલ ગોધરા રોડ પર BOBના ATMને લૂંટવાનો 4 તસ્કરોનાે પ્રયાસ નિષ્ફળ રહ્યો
  • 18 લાખ ભરેલું કેશબોક્સ અકબંધ જોવા મળ્યું, નાઈટ પેટ્રોલિંગમાં સતર્કતા રખાતા ગુનો બનતો અટક્યો
  • તસ્કરો ગેસ કટિંગની કિટ એટીએમમાં જ મૂકી કારમાં ફરાર થયા

હાલોલ ગોધરા રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખાના એટીએમને તોડી તેમાંથી રૂા.18 લાખ જેટલી કેશ લૂંટવાનો ચાર તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા બે પોલીસ જવાનો ત્યાં આવી પહોંચતા ચારે જણા ત્યાંથી ભાગી જતાં એટીએમ લૂંટાતાં બચી ગયું હતું. હાલોલ ગોધરા રોડ પર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં 18 લાખ જેટલી કેસ ભરેલી હતી. બુધવારે મોડી રાત્રે નંબર વગરની શિફ્ટ કારમાં 4 જેટલા બુકાનીધારી તસ્કરોએ એટીએમને નિશાન બનાવ્યું હતું.

તસ્કરો એટીએમ કટિંગ કરવા ગેસ કટિંગની કીટ લઈને આવ્યા હતા. એટીએમની સામેની બાજુ કારમાં બેઠેલો એક તસ્કર નજર રાખી રહ્યો હતો. જ્યારે બાકીના 3 એટીએમમાં દાખલ થઈ ગેસ કટર ચાલુ કરી એટીએમને ઉભું ચીરી નાખ્યું હતું. જોકે કેસ બોક્સ ખુલે તે પહેલા જ નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસના બે જવાનો આવી પહોંચતાં તસ્કરો ગેસ કટિંગની કિટ એટીએમમાં જ મૂકી કારમાં ગોધરા તરફ ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ પીઆઇ ડાભીને કરાતાં કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો. પોલીસે બેંક અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ એટીએમમાં કેસ લોડિંગ અનલોડિંગ કરતી કંપનીના કર્મીઓને જાણ કરતા તેઅો પણ આવી પહોંચ્યા હતા.

જ્યાં પોલીસની હાજરીમાં એટીએમ ચેક કરતા 18 લાખની કેસ અકબંધ જોવા મળતા હાશકારો થયો હતો. પોલીસ પેટ્રોલિંગની સતર્કતાથી 18 લાખની ચોરીનો નિષ્ફળ પ્રયાસ બન્યો હતો. ચોરી કરવા ગેસ કટરનો પ્લાન્ટ લઇ આવેલ તસ્કર ટોળકી આં.રાજ્ય ગેંગ હોવાનું અનુમાન છે અને ગેંગ હરિયાણા પંજાબ તરફની હોવાની શંકા છે. પોલીસે બેંક સિક્યુરિટીની ફરિયાદ લઇ સીસીટીવીની ચકાસણી શરૂ કરી છે. એફએસએલ.સહિત ડોગસ્ક્વોડની પણ મદદ લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.

LPG ગેસ બોટલ હરિયાણાનો
હાલોલ એટીએમમાં ચોરીના નિષ્ફળ બનાવમાં પોલીસને તસ્કરો સુધી પોહચવા મહત્વની કડી મળી છે. તસ્કરો એટીએમ કટિંગ કરવા સાથે લઈને આવેલ ગેસ પ્લાન્ટમાં એલપીજી ગેસ બોટલ હરિયાણાના શેઠ કંપનીનો ગેસ બોટલ હોવાનું ખુલ્યું છે.

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકા જતાં તપાસ કરી
જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકવવા પોલીસ મથક દીઠ નાઈટ પેટ્રોલિંગ માટે બાઈક ફાળવી છે. બુધવારે રાત્રે ગોધરા રોડ પર બાઈક પર કોન્સ્ટેબલ ગોપાલ અને મનોજ નાઈટ પેટ્રોલિંગ કરતા તેમને શંકા જતા બાઇક ઉભી રાખતા જ તસ્કરો ગેસ કટિંગનો સામાન એટીએમમાં છોડીને કારમાં બેસી ભાગી છૂટ્યા હતા. તસ્કરો વિરુદ્ધ ચોરીના નિષ્ફળ પ્રયાસનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. >એન.કે.ડાભી, પીઆઇ, હાલોલ શહેર.

અમને મારી નાખવાની ધમકી આપી

રવિ બારોટ, ઘટનાના પ્રત્યેદર્શી
રવિ બારોટ, ઘટનાના પ્રત્યેદર્શી

એટીએમની સામે આવેલ રોડના છાપરામાં હું અને મારો પિતરાઈ ભાઈ સુતા હતા સવારે ચારેક વાગ્યાના સુમારે એક સફેદ કલરની મારુતિ શિફ્ટ કારમાં ચાર બુકનીધારીઓ આવેલા એક કારમાં બેઠલો બીજા બે ગેસ કટરનો સામન લઇ એટીએમમાં ગયા હતા. અમે જાગી જતા બે જણા અમારી પાસે આવી કશુ બોલશો નહિ નહીતો મારી નાખીશું કહેતા અમે ડરી ગયા હતા. થોડી વારમાં બે પોલીસવાળા મોટર સાઇકલ પર જતાં શંકા જતા ઉભા રહેતા તસ્કરો એકદમ કાર ચાલુ કરી ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...