હડતાળ:હાલોલ નગરપાલિકાના સફાઇ કામદારો પ્રતિક ઉપવાસ સાથે હડતાળ પર ઉતર્યા

હાલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારો સામુહિક હડતાળ પાડી ઉપવાસ પર બેસતાં શહેરની ગંદકીમાં વધારો થયો છે. - Divya Bhaskar
હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારો સામુહિક હડતાળ પાડી ઉપવાસ પર બેસતાં શહેરની ગંદકીમાં વધારો થયો છે.

હાલોલ નગરપાલિકામાં સફાઇની કામગીરી કરતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારો ના પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપ્યા બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે સોમવારના રોજ હાલોલ નગરપાલિકાની કચેરી બહાર પ્રતિક સાથે ઉપવાસ ધરણાં પર બેસી જતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. સફાઈ કામદારોને થતાં અન્યાય અને પડતર માગણીઓની અવાર નવાર રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર પરિણામ ન આવતા આખરે 130 જેટલા મહિલા પુરુષ સફાઈ કામદારો ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ અચોક્કસ પ્રતિક ઉપવાસ સાથે હડતાળ પર ઉતરી જતા શહેરની ગંદકીમાં વધારો થયો હતો.

હાલોલ નગર પાલિકામાં છેલ્લા 30 વર્ષથી 130 જેટલા સફાઈ કામદારો શહેર ખાતે સાફ સફાઈની કામગીરી કરે છે. જેમાં સફાઈ કામદારો ગંદકીનું કામ કરતા હોઇ ગંદકીના કારણે થતા રોગચાળાને લઈ કેટલાક સફાઈ કામદારોના મૃત્યુ થયા છે. જેઓના પરિવારજનોને આજદિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ લાભ કે વળતર આપવામાં આવેલ નથી તેમ જ સફાઈ કામદારોની ભરતીમાં અન્યાય સહિતના વિવિધ આક્ષેપો સાથેના મુદ્દાઓને લઈને સફાઈ કામદારોએ હાલોલ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવારની રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પરિણામ ન આવતા સફાઈ કામદારોએ ગત દિવસોમાં હાલોલ પ્રાંત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપી સફાઇ કામદારોને ન્યાય આપવા માટેની માગણી કરી હતી. તેમ છતાં પણ કોઇ યોગ્ય નિરાકરણ ન આવતા આખરે સફાઈ કામદારો ગત દિવસોમાં આપેલ ચિમકીને અનુસરીને હાલોલ મામલતદાર પાસેથી પ્રતીક ઉપવાસ સહિત ધરણાની મંજુરી માંગી સોમવારથી હાલોલ નગરપાલિકા કચેરીની બહાર મહિલા પુરુષ સફાઈ કામદારો અચોક્કસ પ્રતિક ઉપવાસ સાથે ધરણા પર બેસી હડતાલ પર ઉતરી ગયા હતા. હાલોલ નગરપાલિકાના સફાઇ કામદારો નગર પાલિકાની કચેરીની બહાર જ ધરણા પર બેસી જતા નગરપાલિકાનું વહીવટી તંત્ર અવઢળમાં મુકાયું હતું.

તાત્કાલિક સફાઈ કામદારોના નેતા સાથે મંત્રણા કરવા માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સફાઈ કામદાર નેતાઓ સાથે વાટાઘાટો કરી હતી. પરંતુ તેનું પણ કોઈ નક્કર પરિણામ ન આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હાલોલ શહેર ખાતે સફાઇ કામદારોની હડતાળને પગલે નગરમાં ઠેરઠેર હડતાળના પહેલા દિવસથી જ ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળ્યા હતા. જ્યારે ગુજરાત વાલ્મિકી સંગઠનના હાલોલના આગેવાનો દ્વારા જ્યાં સુધી સફાઈ કર્મચારીઓની પડતર માંગણીઓ તેમજ તેઓને થતા અન્યાયનો યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી મહિલા પુરુષ સફાઈ કામદારો આ ચોક્કસ પ્રતિક ઉપવાસ સાથે હાલોલ નગરપાલિકા કચેરી બહાર ધરણા પર બેસેલા રહેશે તેવી માહિતી આપવામાં હતી.

હાલોલ નગર સાફ-સફાઈ પાછળ મહિને લાખો રૂપિયાના ખર્ચ કરવા હોવા છતાં પહેલાથી જ શહેરમાં સફાઇનું કામકાજ ખાડે ગયેલું હોય હવે સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતા શહેરમાં સફાઈને લઈ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. નગરપાલિકા તંત્રને જાણ કરી હતી કે સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્નો ને લઈ આવેદનપત્ર અપાયું છે. અને તેમાં માંગણીઓ નહીં સંતોસાય તો હડતાળ પાડશેનું જણાવ્યું હોવા છતાં શહેરની સફાઈ થાય તે માટે કોઈ નક્કર આયોજન ન કરતા શહેરની ગંદકીમાં અસહ્ય વધારો થતા પાલિકા તંત્ર સામે શહેરીજનોનો રોષ ફાટી નીકળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...