પાવાગઢમાં ‘નો એન્ટ્રી’:આજે મધરાતથી ખાનગી વાહન લઇ જવાશે નહીં, ભક્તો માટે 24 કલાક બસો દોડશે

હાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આસો નવરાત્રિ શરૂ થઇ રહી હોવાને પગલે વિવિધ સ્થળોએથી આવતા પગપાળા સંઘોના જય માતાજીના જય ઘોષથી પાવાગઢ તરફના રોડ ગુંજી ઉઠ્યા હતા. - Divya Bhaskar
આસો નવરાત્રિ શરૂ થઇ રહી હોવાને પગલે વિવિધ સ્થળોએથી આવતા પગપાળા સંઘોના જય માતાજીના જય ઘોષથી પાવાગઢ તરફના રોડ ગુંજી ઉઠ્યા હતા.
  • આવતીકાલથી , મહાકાળીના દર્શન સવારે 5 વાગ્યે શરૂ થઇ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, 800થી વધુ પોલીસનો ખડકલો
  • ભક્તોની સલામતી અને સુરક્ષા માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ
  • પહેલીવાર બકરા-મરઘાં લઇ જવા પર પ્રતિબંધ
  • 55 બસો માત્ર રૂ.15ના ભાડામાં માના ભક્તોને માચી લઇ જશે

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ઉજવણી ન થતાં નવરાત્રીમાં મહાકાળીના દર્શન માટે મંદિર ટ્રસ્ટે પાવાગઢની તળેટી અને માચી ખાતે એલઇડી લગાવી ભક્તોને વર્ચ્યુઅલ દર્શન કરાવ્યા હતા. આ વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી ઉજવાશે. ત્યારે યાત્રાળુઓની સલામતી સુરક્ષાને લઈ મંદિર સહિત પરિસરમાં હાઈ ફ્રિકવન્સી સીસીટીવી મુકાયા છે. મંદિરના 70 સભ્યોના સ્ટાફ સાથે 30 ખાનગી સિક્યુરિટી જવાનો ફરજ બજાવશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો ઉપયોગ કરી ફરજિયાત માસ્ક પહેરી પછી જ દર્શન માટે પ્રવેશ અપાશેનું મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે.

પ્રથમ નોરતે ભક્તોના દર્શન માટે વહેલી સવારે પાંચ વાગે મંદિરના દ્વાર ખુલ્લાં મુકાશે અને રાત્રે 8:00 વાગે બંધ થશે. પાવાગઢમાં નવરાત્રિમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે તેમની પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષા અને સલામતીને લઈ જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરી લેવાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા માટે 800 ઉપરાંત પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. માચી જતા રસ્તા વાંકાચૂકા ઢાળ વાળા હોઇ યાત્રાળુઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.

યાત્રાળુઓને આવવા જવામાં મુશ્કેલી ન પડે માટે એસટી વિભાગ દ્વારા 24 કલાક સેવા સાથે 50થી 55 બસો મુકાશે. જેનું મુસાફર દીઠ 15 રૂપિયા ભાડું લેવાશે. માચીથી યાત્રાળુઓને ડુંગર સુધી પહોંચાડતી રોપવે સેવા નવરાત્રી દરમિયાન સવારે 4:00 વાગે ટિકિટ બુકિંગ કરી 5:00 વાગ્યાથી શરૂ થઈ મંદિર બંધ થતાં સુધી ચાલુ રહેશે. પરંપરા મુજબ ભક્તો બકરા-મરઘાને મંદિરે રમતા મૂકે છે. ત્યારે મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે હવેથી બકરા મરઘા મંદિર સુધી લઈ જવાશે નહીં.

હંગામી મોબાઈલ ટાવરો મૂકવા સૂચના
પાવાગઢ એકાવન શક્તિપીઠમાંથી એક છે. સાથે વર્લ્ડ હેરીટીઝ સાઈડ પણ છે. છતાં પાયાની સુવિધાઓથી લોકો વંચિત રહે છે. અહીં મોબાઇલ ટાવરનું નિયમિત નેટવર્ક ન આવતા યાત્રાળુઓ પાવાગઢ આવીને સંપર્ક વિહોણા થાય છે. જિલ્લા નિવાસી કલેક્ટરે BSNL, વોડાફોન, આઈડિયા, એરટેલ, જીઓ સહિતની કંપનીને નવરાત્રી દરમિયાન પાવાગઢમાં હંગામી મોબાઈલ ટાવરો લગાવી નેટવર્ક અંગેની મુશ્કેલી દૂર કરવા સૂચના કરી છે.

પાણીના એટીએમ મશીનો બંધ
પાવાગાઢ મંદિર ટ્રસ્ટે અગાઉ પીવાના પાણીના એટીએમ મશીનો મુક્યા હતા. જે ટૂંક સમયમાં જ બંધ થઈ ગયા. જેથી યાત્રાળુઓને મો માગ્યો ભાવ આપી પાણી ખરીદવું પડે છે. 400 સ્થાનિક પરિવારો અને મંદિરને નર્મદાનું પાણી મળે તે માટે પંપીંગ સ્ટેશન બનાવ્યું છે પરંતુ યોગ્ય વહીવટને અભાવે તે ખોટકાઈ જતા સપ્તાહમાં એક કે બે દિવસ ડુંગર પર પાણી પોહચે છે. પાણીની તંગીને લઈ રોપવેમાં પાણીનું ટેન્કર લઈ જવુ પડે છે.

વાહનો પાર્કિંગની ઉઘાડી લૂંટ
નવરાત્રીને લઇ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવશે. જ્યાં બસ સ્ટેન્ડ પાસે પંચાયતનું વાહન પાર્કિગ ફૂલ થઈ જતા ખાનગી પાર્કિગ વાળા લૂંટ ચલાવે છે. સીટી ગેટથી ફોરેસ્ટ ત્રણ રસ્તા સુધી રોડની બન્ને બાજુ દબાણો કરી રોડને અડીને ચા-નાસ્તાની જમવાની હોટલો દુકાનો ખડકી દેવાઈ છે. આ દુકાન હોટલો વાળા રોડને અડીને વાહનો પાર્ક કરાવી ઉઘાડી લૂંટ કરી ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી કરે છે.

150 કર્મીઓ ઇમરજન્સી ક્રેનની ફરજ બજાવશે
7થી 20 ઓક્ટોબર તળેટીથી માચી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે. જેથી એસટી વિભાગ 6 ઓક્ટોબરની મધરાતથી 50થી 55 એસટી બસો મુકશે. મુસાફર દીઠ 15 રૂપિયા ભાડું રહેશે. એસટી વિભાગના 150 કરતા વધારે કર્મચારીઓ સહિત બસ ડ્રાઈવર કન્ડક્ટર ઇમરજન્સી ક્રેન સર્વિસની ફરજ બજાવશે. એસટી બસોમાં GPS સિસ્ટમ હશે. તળેટી ખાતે કંટ્રોલ રૂમમાં એસટી બસોનું લાઈવ લોકેશન જાણી શકાશે. યાત્રાળુઓને બસમાં બેસવા પાંચ ટ્રેક બનાવ્યાનું ગોધરા ડીસી બી.આર ડીંડોળે જણાવ્યું હતું.

પ્રસાદનું રૂા.10-20નું પેકેટ શરૂ કરવા માગ
ભક્તો દર્શન કરી ચુંદડી-પ્રસાદ લે છે. મંદિર ટ્રસ્ટ સુખડીનો પ્રસાદ વિતરીત કરે છે. અગાઉ 10, 20 રૂપિયાનું સુખડીનું પેકેટ મળતું જે સામાન્ય વ્યક્તિ લઈ શકતો પણ ઘણા વખતથી માત્ર 50 રૂપિયાનું પેકેટ જ મળવાથી ગરીબ પરિવારો પ્રસાદથી વંચિત રહે છે. રૂ.10, 20ના પેકેટ ફરી શરૂ કરવા માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...