ચોરી CCTVમાં કેદ:હાલોલમાં 5 મહિલાઓ નજર ચૂકવી રૂ. 7.78 લાખના દાગીના ચોરી ફરાર

હાલોલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ સોની બજારમાં સોનીની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી પાંચ મહિલાઓ સહિતની ટોળકી ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ. - Divya Bhaskar
હાલોલ સોની બજારમાં સોનીની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી પાંચ મહિલાઓ સહિતની ટોળકી ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ.
  • મહિલાઓ ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ, ચોરીની અરજી પોલીસે લઇને તપાસ શરૂ કરી
  • સોની બજારના વેપારીઓએ પોલીસને રજૂઆત કરી

હાલોલના સોની બજારમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા દુકાનદારને ત્યાં ગ્રાહકનો સ્વાંગ રચી અજાણી 5 મહિલા સાથે આવેલ એક ઇસમ સહિતની ટોળકીએ દુકાનદારની નજર ચૂકવી 152 ગ્રામ સોનાના દાગીનાનું પેકેટ કિં.7.78 લાખનું તફડાવી ગેંગ પલાયન થઈ હતી.

હાલોલના મુખ્ય બજારમાં આવેલ સચિન જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સચિન સોની તેના પિતા ગોપાલભાઈ અને નોકર ગોપાલ મારવાડી હાજર હતા. દરમિયાન અજાણી 5 મહિલા અને એક ઈસમ દુકાનમાં આવી ચાંદીનો સેટ બતાવો કહેતા સચિન સેટ બતાવતો હતો. જ્યારે તેના પિતા ગોપાલભાઈ અન્ય ગ્રાહકને દાગીના બતાવતા હતા. એક મહિલાએ નોકર પાસે પાણી માગતા ગોપાલ પાણી લેવા ગયો. તે દરમિયાન સચિન બેગ લેવા પાછળ ફરતા આ સમયે નજર ચૂકનો લાભ લઇ ચોર ઇસમે બેઠક પર મૂકેલ 152 ગ્રામ સોનાનું પેકેટ તફડાવી લીધું હતું અને થોડી વારમાં એકએક કરી તમામ દુકાનમાંથી બહાર જતા રહેલ થોડીવાર પછી પિતા ગોપાલભાઈ સોનાનું પકેટ અહીં મુકેલ કયા ગયુ તપાસ કરતા કરી સીસીટીવી કેમેરામાં જોતા ગ્રાહકના સ્વાંગમાં આવેલ ચોર ટોળકી ચીલઝડપ કરી લઈ ગયા હોવાનું માલૂમ પડતા બજારમાં હાહાકાર મચી જતાં મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઈ ગયા હતા.

ઘટનાને પગલે સોની બજારના વેપારીઓ ચીલઝડપની ઘટનાના સીસીટીવી સાથે હાલોલ શહેર પોલીસ મથકે પહોંચી ઘટના અંગે જણાવતા પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે માત્ર ચોરીની ઘટના અંગેની અરજી લઈ તપાસ હાથ ધરતા પોલીસ કાર્યવાહી સામે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. બનાવની રાત્રે કંજરી રોડ પર આવેલ હનુમાન મંદિરને પણ તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીના 45 હજારની ચોરી કરતા એક જ દિવસે બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નહીં નોંધી માત્ર અરજીઓ લઈ તપાસ કરતા દહેશતનો માહોલ ફેલાયો છે. નોંધનીય છે કે હાલોલ સોની બજારમાં છેલ્લા છ મહિના દરમિયાન ચીલઝડપ સહિત ચોરીના 8 બનાવોનો બન્યા છે.

હાલોલના કંજરી રોડના મંદિરની દાનપેટીમાંથી 45 હજારની ચોરી
હાલોલના હાર્દ સમાં એવા સતત 24 કલાક લોકોની અવર જવરથી અને ટ્રાફિકથી ધમધમતા કંજરી રોડ ચોકડી પાસે આવેલ શ્રીહનુમાનજી મંદિર ખાતે ભગવાનના ધામને નિશાન બનાવી એક ચોર ગત રવિવારે મંદિરના મુખ્ય દરવાજા પર લાગેલ નકૂચા તોડીને મંદિરમાં પ્રવેશ્યો હતો અને મંદિરના ગર્ભગૃહમાં રાખેલ મંદિરની દાનપેટી તોડી તસ્કરે દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. જેમાં ચોર મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાંથી ચોરી કરતો હોવાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જેમાં મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ચોરની તમામ ગતિવિધિની ઘટના સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ જતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થવા પામ્યો હતો. નગર ખાતેના હાર્દ સમાં વિસ્તાર એવા કંજરી રોડ પર આવેલ ભગવાનના ધામ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર તસ્કરો સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ બાબતે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દાનપેટીમાંથી 45 હજાર ઉપરાંતની રોકડ રકમની ચોરી થઈ હોવા અંગે ફરિયાદ કરવા જતાં પોલીસે અરજી લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...