તપાસ:ઉઢવણમાં પંચાયતના નવા મકાનના બાંધકામનો વિવાદ TDO પાસે પહોંચ્યો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતનું મકાન ગામની વચ્ચે બનાવવા રજૂઆત : વિરોધ પક્ષ અને લોકોની TDOને રજૂઆત

જાંબુઘોડાના ઉઢવણ ગામે ગ્રામ પંચાયત દ્વારા રૂા.15 લાખ જેટલી માતબર રકમના ખર્ચે નવિન ગ્રામ પંચાયતના મકાનનું બાંધકામ કરવાની હિલચાલ હાથ ધરાઈ હતી. જેમાં સરપંચ સહિતની પેનલના સદસ્યોએ ગ્રામ પંચાયતનું મકાન બાંધવા માટે ગામની બહારની જગ્યા પસંદ કરતા સમગ્ર મામલે વિવાદ સાથે વિરોધ ઉભો થવા પામ્યો છે. જેમાં અગાઉ પંચાયતનું મકાન બાંધવા માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી. અને મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.

પરંતુ તે જગ્યા જૈન દેરાસરવાળી ખુલ્લી પર જગ્યા હોય વિરોધ થતાં તે જગ્યા રદ કરી પછી આંગણવાડીની જગ્યામાં નવીન મકાન બનાવવા માટેની વાત કરવામાં આવતા તે બાબતે પણ વિરોધ થતાં બંને જગ્યાઓએ રદ થતા આખરે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. અને મતાધિકારનો ઉપયોગ કરતા સરપંચની પેનલ અને વિરોધ પક્ષની પેનલના ચાર ચાર સદસ્યોએ મત આપતા સરખા મત પડતા સરપંચને સત્તાની રૂએ મળેલા અધિકાર અંતર્ગત વધુ એક મત આપતા પાંચ મત મળતા વધુ સરસાઈ આવતા સરપંચ દ્વારા નિર્ણય કરી મકાનનું બાંધકામ ગામની બહાર બનાવવાની દરખાસ્ત સરપંચના પક્ષ દ્વારા મૂકવામાં આવતા સામેના પક્ષો સહિત ગ્રામજનો તેનો ભારે વિરોધ કર્યો હતો જેને લઇને ભારે વિવાદ પેદા થવા પામ્યો છે.

જો ગામની બહાર ગામ પંચાયતનું મકાન બને તો ગ્રામજનોને ત્યાં પહોંચવામાં ભારે અગવડતાનો સામનો કરવો પડે અને ત્યાં પહોંચવા માટેના રોડ રસ્તા ના કોઈ ઠેકાણા ના હોઇ અને ગામની બહાર હોઇ તેમજ અન્ય ગામની સીમા પર આવતું હોઇ ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડે તેવી રજૂઆત ગ્રામજનોએ કરી ગામની વચ્ચોવચ્ચ આવેલ પંચાયતની ખુલ્લી જગ્યામાં પંચાયતનું નવીન મકાન બાંધવા માટેની માગણી કરી હતી. જેને લઇને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ખેંચતાણ સર્જાતા.

આખરે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારીને વિરોધ પક્ષ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી ગ્રામ પંચાયતનું નવીન મકાન ગામની વચ્ચોવચ બનાવા માટે અરજ કરી હતી. જેમાં ગામની વચ્ચે આવેલ પંચાયતની જગ્યા હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરી મકાનને ગામની બહાર લઈ જવાઈ રહ્યું છે. જો મકાન ગામની વચ્ચે બને તો ગ્રામજનોને સવલત મળી રહે અને ગામની વચ્ચે જ પંચાયત સુધી પહોંચવાના આર.સી.સી.રોડ નો પણ લાભ પણ મળે અને ગ્રામજનોના તમામ કામ નજીકમાં ગ્રામ પંચાયત હોવાથી ફટાફટ થઈ રહે તે માટેની રજૂઆત કરી હતી.

જ્યારે આ બાબતે મતભેદ ઊભો થતા અને વિવાદો પેદા થતા ઉઢવણ ગામે સત્તાની રૂએ ગ્રામ સભા બોલાવવા માટેની લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અસરથી ગ્રામ સભા બોલાવી ગ્રામજનોના મત મેળવી પંચાયતનું મકાન ગામમાં બનાવવાનો નિર્ણય લેવાય તેવી પ્રબળ માંગ ઉઠાવી આ બાબતે તાત્કાલિક ન્યાયપૂર્ણ કામગીરી કરવા માટેની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...