હાલોલના સંજરી પાર્કમાં 14 એપ્રિલે રાત્રે નજીવી બાબતે શ્રમજીવી પરિવારના ઈરફાન શૈખ નામના યુવકને સ્થાનિક માથાભારે ઇસમ હનીફ રફીક બેલીમે કાનમાં લાફા ઝીકી દેતાં ઈરફાનના કાનનો પડદો તૂટી ગયો હતો. ગંભીર ઈજાઓ સાથેના સર્ટિ સાથે શ્રમજીવી પરિવાર પોલીસ ફરિયાદ કરવા જતાં પીઆઇ રજા પર છે કહી બહાનાબાજી કરી ત્રણ દિવસ સુધી ફરિયાદ લીધી ન હતી. ન્યાય લેવા નીકળેલા પરિવારને વગર ફરિયાદે પાછા ફરવાનો વારો આવતાં પોલીસ પ્રજાનો મિત્ર છે ની વાત હાલોલ પોલીસની નિષ્ક્રિય કામગીરીએ વામણી પુરવાર કરી હતી.
સમગ્ર મામલાની હકીકતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં ઉચ્ચ કક્ષાએ મામલાની ગંભીર નોંધ લઇ આરોપી સામે પગલાં ભરવા હાલોલ શહેર પોલીસને આદેશ કરાતાં ઘટનાના 36 કલાક સુધી ગુનો દાખલ નહીં કરનાર, સરકારી દવાખાનાનું સર્ટિ લાવો પછી જ ગુનો દાખલ થશે તેવું રટણ રટતી શહેર પોલીસે ખાનગી દવાખાનાના સર્ટિ આધારે ગુનો નોંધવાની ફરજ પડી હતી.
હાલોલ સંજરી પાર્કમાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગ કરતા ઈરફાન મહેબૂબ શૈખને એક મહિના પહેલા થયેલ ઝઘડાની જૂની અદાવતમાં 14 એપ્રિલે માથાભારે ઈસમ હનીફ રફીક બેલીમે હુમલો કરી ડાબા કાન પર ચાર પાંચ લાફા ઝીંકી દેતાં તેને કાનમાંથી લોહી વહી ગંભીર ઈજા થઇ હતી. ઈરફાનને બીજા દિવસે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડોકટરે કાનમાં મશીન નાખી ચેક કરતાં ઈરફાનના કાનનો પડદો તૂટી જઈ ગંભીર ઈજાઓ થઇ હોવાનું જણાયું હતું.
આ અંગે ઈરફાનના પરિવારની ફરિયાદ પોલીસે યેનકેન પ્રકારે ત્રણ દિવસ સુધી ન લેતાં સમગ્ર ઘટનાની હકીકત સહિતનો અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીની સૂચના બાદ હાલોલ પોલીસે હનીફ બેલીમ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરતાં પરિવારને હવે ન્યાય મળશે તેવી આશા જાગી છે. નોંધનીય છે કે 6 એપ્રિલની મોડી સાંજે બાદશાહ બાવાની દરગાહ પાસે પૈસાની લેતીદેતીમાં એક યુવાને બીજા પર જાહેરમાં ચાકુથી હુમલો કરતાં તેને સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં જાહેરમાં આવી ઘટનાઓને અંજામ આપતા તત્વો બેફામ બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.