વિવાદ:જાંબુઘોડા તાલુકા પંચાયતમાં કોગ્રેસ અને ભાજપની આક્ષેપબાજી

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના સામસામે આક્ષેપો. - Divya Bhaskar
સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના સામસામે આક્ષેપો.
  • મોટી સંખ્યામાં ટોળાં થતાં કાર્યકરોને પોલીસ મથક લઇ ગયા
  • બંને પક્ષોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરતાં મામલો તંગ બન્યો

જાંબુઘોડા તાલુકાના ડુમા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સરકારી કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આક્ષેપ કરતી રજુઆત જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગત માસે કરવામાં આવી હતી. જે સંદર્ભે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સરકારી તંત્ર દ્વારા તપાસમાં ઢીલાશ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે તમામ કોંગ્રેસના કાર્યકરો સોમવારે પ્રતીક ઉપવાસ ઉપર બેસવા તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા.

ત્યારે સોમવારે ડુમા ગામના સરપંચ સહિતના કેટલાક ગ્રામજનો વર્ષ 2007થી 2009 દરમ્યાન પણ ડુમા ગામમાં હરિયાળી વોટરસેડ યોજનામાં નવમી અને દશમી બેચમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા.

જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં જ સરકારી કામોમાં ભ્રષ્ટાચારની સમાંતર રજુઆતને તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થાય તેવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અધિકારીએ તમામ કાર્યકરોને પોલીસ મથકે બેસાડ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી સાથે સંકલન કરતા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ મથકે પહોંચી તમામ કોંગી કાર્યકરોની રજુઆત સાંભળીને તપાસ ટૂંક સમયમાં પૂર્ણ કરી તેનો વિસ્તૃત અહેવાલ ઉપલા અધિકારીને સુપ્રત કરવામાં આવશે તેવી ખાતરી આપતા પ્રતીક ઉપવાસ ઉપર બેસવા આવેલા કાર્યકરો પોલીસ બંદોબસ્ત સાથે ડુમાં ગામે પરત ફર્યા હતા.

જાંબુઘોડાના ડુમા ગ્રામ પંચાયતમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કોંગી અને ભાજપની સામસામે અાક્ષેપના પગલે એક સમયે એકજ ગામના લોકો અામને સામને આવી જતા અેક સમયે મામલો તંગ બની ગયો હતો.

ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરી દેવાશે
ડુમા ગામે સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજુઆત મળી છે, અને એ સંદર્ભે તપાસ ચાલુ છે, રજુઆતમાં દર્શાવવામાં આવેલી વિગતો લાંબી હોય અને વચ્ચે દિવાળીની રાજાઓ આવી જતા તપાસ પૂર્ણ થઈ શકી નથી. પરંતુ ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે: - ડી.કે.ગરાસીયા, તાલુકા વિકાસ અધિકારી

ઘર્ષણ રોકવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
સોમવારે જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસના કાર્યકરો પ્રતીક ઉપવાસ ઉપર બેસવાના હતા. પરંતુ ત્યાં એજ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ત્યાં તાલુકા વિકાસ અધિકારીને મળવા આવેલા હોઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઘર્ષણ ન થાય માટે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે બેસાડ્યા હતા. જ્યાં તાલુકા વિકાસ અધિકારીએ તેઓની રજુઆત સાંભળી હતી. - ડો. એમ એમ ઠાકોર,પોસઈ, જાંબુઘોડા

અન્ય સમાચારો પણ છે...