નવરાત્રિ:પાવાગઢમાં આઠમે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટશે

હાલોલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠમને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો હાથ ધરાયાં
  • તંત્રે​​​​​​​ તડામાર તૈયારી કરી, ખાનગી વાહનો લઈ જવા પર જાહેરનામુ

પાવાગઢ માં બુધવારે આસો આઠમને લઈ યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટશે તેવી શક્યતાને લઈ જિલ્લા પ્રસાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

આસો માસમાં આઠમનું અનેરું મહત્વ રહ્યું છે. પાવાગઢ કાલિકા માતાજી મંદિર સાથે કરોડો ભક્તોની આસ્થા જોડાયેલી છે. ગત રવિવારના રોજ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતાં એક સમયે તંત્ર પણ અવઢવમાં મુકાઈ ગયું હતું. મગળવારે સાતમના દિવસે પણ દોઢ લાખ યાત્રાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મંગળવારે વહેલી સવારથી જ સ્થાનિક સહિત જિલ્લા વહીવટીતંત્ર ભારે હરકતમાં આવી ગયું હતું. એકાએક પોલીસ અને પંચાયત દ્વારા માંચી સ્થિત આવેલ પાર્કિંગ ખાલી કરાવ્યું હતું.

હાલ નવરાત્રી દરમિયાન તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર જિલ્લા કલેક્ટરનું જાહેર નામું છે. વેપારીઓએ તંત્રનો આદેશ માની તમામ વાહનો નીચે ઉતારી દેતાં હવે આઠમના દિવસે વેપારીઓને આવવા જવા મોટી તકલીફનો સામનો કરવાનો વારો આવતાં નવરાત્રી દરમિયાન તંત્રના આવા વલણને લઈ વેપારીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા કોઈપણ જાહેરાત વગર એકાએક પાર્કિગ ખાલી કરાવતા સો અવઢવમાં મુકાયા હતા .

કલાકાર ઓસમાણ મીરના આવવાની શક્યતા
મોડી સાંજે જાણવા મળ્યા મુજબ ચાંપાનેર હોટેલના મેદાનમાં આઠમની રાત્રે ટુરિઝમ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરાયું છે. જેમાં મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સૂફી સિંગર ઓસમાણ મીર આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. સરકાર દ્વારા એક તરફ કોવિડની ગાઈડ લાઈનના નીતિનિયમો અનુસાર કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્યકમમાં 400થી વધારે લોકોને ભેગા થવા પર રોક લગાવાઇ છે. તો આઠમના દિવસે રાત્રે પાવાગઢ ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યકમમાં ઓસમાણ મીર જેવા કલાકાર આવશે ત્યારે કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટશે તે વિચાર કરવો પણ અઘરો છે.

મંદિરના નિજ દ્વાર સવારે 4 વાગે ખુલશે
આઠમને લઈ માતાજી મંદિરના નિજ દ્વાર સવારે ચાર કલાકે ખુલ્લા મુકાશે. સવારે 9 વાગે મંદિરના નવા પરિસરમાં હવનની વિધિ શરૂ થશે અને બપોરે 4.30 કલાકે હવનમાં નારિયેળ વધેરાશ. સાથે પાવાગઢ બસ સ્ટેન્ડની બાજુમાં હાલોલમાં ધારસભ્ય જયદ્રથ સિંહ પરમારના હસ્તે આયુર્વેદિક દવાઓનો કેમ્પ ખુલ્લો મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...