બોડેલીના અલીપુરા ખાતે મણીનગર સોસાયટી અલીખેરવામાં રહેતા મૂળ પાવીજેતપુરના પાણીબારાના રહેવાસી અને બોડેલી ડિવિઝન ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બચુભાઈ ફુરકનભાઈ રાઠવાનો 27 વર્ષીય પુત્ર વિપુલકુમાર કાર લઈને રવિવારના રોજ સાંજના સુમારે પોતાના ઘરેથી મામાના ઘેર ડેરીયા ગામે જવું છું તેમ કહી નીકળ્યો હતો. કાર લઈને મામાના ઘરે જવા નીકળી વિપુલકુમાર પોતાની કાર લઈને જાંબુઘોડા તાલુકાના નાથપુરી ગામેથી રાત્રીના સુમારે પસાર થઈ રહ્યો હતો.
ત્યારે નાથપુરી ગામે કારના સ્ટિયરિંગ પરથી કોઈ કારણોસર વિપુલનો કાબુ ખોવાતા કાર એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. જ્યારે કારમાં સવાર વિપુલને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસથી લોકો દોડી અાવીને ઈજાગ્રસ્ત વિપુલને કારમાંથી બહાર કાઢી જાંબુઘોડાના સરકારી દવાખાને સારવાર માટે મોકલી આપ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબોએ વિપુલને તપાસી મૃત જાહેર કર્યો હતો. જ્યારે બનાવ અંગેની જાણ થતાં વિપુલના પરિવારજનો સહિત જાંબુઘોડા પોલીસ જાંબુઘોડા સરકારી દવાખાને દોડી અાવ્યા હતા. વિપુલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરી એના મૃતદેહને પોલીસે પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે અકસ્માતના બનાવ અંગે વિપુલના પિતા બચુભાઈ ફુરકનભાઈ રાઠવાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.