લોકોના આરોગ્ય સાથે તંત્રના ચેડા:ગીરગઢડામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંર્તગત આપવામાં આવતા ​​ચણાના પેકેટમાં જીવાતો નીકળી

ઉના24 દિવસ પહેલા

ગીરગઢડાના થોરડી ગામેની આંગણવાડી કેન્દ્રો દ્વારા અપાતા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પોષ્ટિક આહાર માટે ચણાના પેકેટ આપવામાં આવે છે. જેમાં સડેલાં ચણાનો જથ્થો વિતરણ કરવામાં આવતા અને તેમાં પણ સીલ બંધ પેકેટમાં ધનેડા અને જીવાતો જોવા મળતા લાભાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

ચણાના પેકેટો ખોલતા મહિલાઓ ચોકી ઉઠી
થોરડી ગામમાં નવાપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં.1માં નાના ભુલકાઓ આવતા હોય છે અને કેન્દ્રમાં બાળકોને ચણા સહીત અલગ અલગ મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે. પરંતુ ગામમાં રહેતા ગરીબ પછાત અને અભણ મજુરી કરતા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રોમાંથી પોષક ખોરાકમાં ચણાના પેકેટો વિતરણ કરવામાં આવેલ હતા. લાભાર્થી મહીલાઓ પોતાના ઘરે લઈ જઇ ચણાના પેકેટ ખોલતા અંદરથી ચણા સળેલા તેમજ ચણામાં જીવાતો ખદબદતા મહિલાઓ ચોકી ઉઠી હતી. જેથી સરકારની ચાલતી આઇ.સી.ડી.એસ યોજનાના અધિકારીઓ, સુપર વાઈઝર અને કેન્દ્ર સંચાલક સામે લાભાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.

એજન્સી સામે પગલાં ભરવા માંગ
આ બાબતે ગીરગઢડા સી.ડી.પી.ઓનો સંપર્ક કરતાં તેમનો મોબાઈલ બંધ આવતો હતો. આ બાબતે મામલતદાર અને નાયબ કલેકટર દ્વારા તાત્કાલિક સંડેલા ચણાનું વિતરણ બંધ કરાવી ખાદ્ય પોષણ ખોરાક પુરૂં પાડતી એજન્સી સામે પગલાં ભરવા માંગણી ઉઠી છે. આવા પોષ્ટિક આહારમાં ચણા આપવામાં આવેલ તે ખોરાક લેવાથી ગંભીર બિમારીનો ભોગ બનશે તો જવાબદાર કોણ? તેવા અનેક પ્રશ્નો મહીલાઓમાં ઉઠવા પામ્યા હતા.

આપેલા તમામ ચણાના ​​​​​​​પેકેટમાં જીવડા ​​​​​​​
આ બાબતે થોરડી ગામે રહેતા રજનીકાબેન ભીલે જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રમાં ચણાના 6 પેકેટ આપવામાં આવેલ હતા. ઘરે જઇ ચણાના પેકેટ ખોલતા ચણા સળેલા અને જીવાતો નીકળતી હતી. આ ચણાના પેકેટ ખવાઇ તેમ નથી તો પણ આપવામાં આવેલ છે. તેમજ લાભાર્થી હિનાબેન મંધરાએ જણાવેલ કે, અમે ચણાના 6 પેકેટ આપેલા તેમા જીવડા પડેલા છે અમારે ખાવા કેમ.

અન્ય સમાચારો પણ છે...