ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા દરિયા કિનારેથી જાફરાબાદના લોઢપુર સુધી સરકારી કંપનીની એસપીસીએલની ગેસ પાઇપ લાઇન આકાર પામી રહી છે. જેનો ઠેક ઠેકાણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામે ખેડૂતોની જમીનમાંથી ગેસ પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરતાં ખેડૂતોએ ભારે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. ગેસ પાઇપ લાઇન કંપનીના અધિકારી સ્ટાફ જેસીબી મશીન સહિત સામગ્રી લઈ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ખેતીની જમીન પર પહોંચી જતાં આ વિસ્તારના જમીન ખાતેદારોએ ભારે વિરોધ કરી કામગીરીને અટકાવવામાં આવી હતી.
ગીરગઢડાના વડવીયાળા ગામે ગેસ પાઇપ લાઇનનું કામ શરૂ થતા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની માલિકીની જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોને નોટિસ ઇસ્યુ કર્યા વિના જ પાઈપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ખેડૂત પ્રવિણભાઇ એ જણાવેલું કે, જમીન સંપાદનના પૈસા પણ હજી સુધી ચૂકવવામાં આવ્યાં નથી. એટલું જ નહિ ગેસ પાઇપ લાઇન પસાર થાય તે જમીન ઉપર કોઈ બાંધકામ નહિ થઈ શકે અને વૃક્ષ પણ નહીં વાવી શકાય તેવો નોમ્સ હોવાનું અને કરોડો રૂપિયાનુ નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરેલો છે. છેલ્લા એકાદ બે વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં કોઈ ગણકારતું નથી. આ સમગ્ર મામલે ગેસ કંપનીના અધિકારીઓ સાથે સ્થળ પર વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈ નહીં જણાવવાનો ઇનકાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.