શિકારની લાલચમાં દીપડીનું મોત:ગીરગઢડામાં ટિસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજશોટ; ભારે કરંટથી ઘટના સ્થળેજ મોત નિપજ્યું

ઉના15 દિવસ પહેલા

ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલા વીજ પોલના ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વન વિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે

કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરીની વાડીના સેઢા પાસે આવેલા ગૌચર જમીનમાં વીજ પોલ ઉપર ટીસી આવેલું છે. જેમાં વીજ પાવર સપ્લાઇ ચાલું હતો. ત્યારે વીજ ટીસી ઉપર બેઠેલા પક્ષીને જોઈ દીપડીએ શિકારની લાલચમાં જંપ મારતાં ટીસી ઉપર ચડી શિકાર કરવા જતાં અચાનકજ વિજ શોટ લાગતા દીપડીનું ઘટનાસ્થળેજ ક્ષણવારમાં મોત નિપજ્યું હતું.

આ ઘટના બનતા તાત્કાલિક પીજીવીસીએલ તેમજ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વીજ પૂરવઠો બંધ કરી દીપડીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. વન વિભાગે દીપડીના મૃતદેહને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પીએમ અર્થે ખસેડી હતી જેમાં દીપડી અંદાજે ચારેક વર્ષની હોવાનુ વન વિભાગના ફોરેસ્ટ વી એમ ચાવડાએ જણાવ્યું હતું. આ ઘટના અંગે વનવિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...