ઉનાથી માત્ર 10 કીમી તાલુકાના નવી વાજડી ગામની અંદાજીત વસ્તી 1200ની આસપાસ હોય અને હાલ આ ગામમાં છેલ્લા 20 દિવસથી એક વર્ષ પહેલા બનાવેલા ડારનું પાણી ગ્રામ પંચાયત દ્વારા વિતરણ કરતા ગ્રામજનો બીમાર પડી રહ્યા છે. આ ડારના પાણીનો ઉપયોગ કરવાથી લોકોને પેટનો દુઃખાવો, વાળ ખરવા તેમજ ખંજવાળ આવવી જેવી સમસ્યાથી પીડાઇ રહ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનોને નર્મદાનું પાણી વિતરણ થતુ હતું. છેલ્લા 20 દિવસથી નર્મદાના પાણીની લાઇનમાં ક્યાંક ભંગાણ થયું હોવાથી આ પાણી મળતુ નથી. તેથી ના છુટકે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં એક વર્ષ પહેલા ૩૦૦ ફુટ ઉંડા એક બોર બનાવેલું અને આ બોરમાંથી આખા ગામમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. લોકો આ પાણીના વપરાશથી બિમાર પડી રહ્યા હોય અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યા છે. તેમ છતા પણ તંત્રના પેટનું પાણી પણ હલતુ ન હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ત્યારે ગ્રામજનો માંથી માગણી ઉઠવા પામેલી છે કે, તાત્કાલીક આ ડારના પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવે અને લોકોને શુધ્ધ પાણી પુરૂ પાડવામાં આવે, જ્યારે આ ડારના પાણીનો વપરાશથી લોકો બિમાર પડી રહ્યા હોવાથી ગ્રામજનો પીવાનું પાણી નજીક ગામથી ભરવા જવા મજબુર બન્યા છે.
આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અજીતભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલું કે, નર્મદાનું પાણી હાલ લાઇનમાં ક્ષતી હોવાથી વિતરણ થતુ નથી. પરંતુ આ ડારના પાણીથી લોકો બિમાર પડી રહ્યાં છે તે વાતની જાણ મને હતી નહીં, પરંતુ બે ત્રણ દિવસમાં નર્મદાના પાણીની વિતરણ વ્યવસ્થા થઇ જશે. હાલ જે ડાર માંથી પાણી વિતરણ થઇ રહ્યુ છે. તેનું સેમ્પલીંગ કરાવી આપીશું તેમ છતાં પણ બાજુમાં જુની વાજડીથી નવી વાજડી સુધીની પાઇપ લાઇન જે હાલ ક્ષતિ ગ્રસ્ત છે, તેનું રીપેરીંગ કામ કરાવી આપીશુ. જેથી લોકોને પાણી મળી રહે, આમ હાલ આ પાણી વિતરણ તાત્કાલીક બંધ કરવા ગ્રામજનો માંથી શૂર ઉઠવા પામેલા છે. કેમ કે જે પાણી પીવા લાયક નથી, તે પાણી છેલ્લા 20 દિવસથી વિતરણ થઇ રહ્યું છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
પાણી પીવાથી પેટનો દુખાવો થાય છે
ગામના વયોવૃધ્ધ વશરામભાઇએ જણાવેલું હતુ કે, હાલ ડારના પાણી પીવાથી પેટનો દુખાવો થાય છે અને શરીરમાં ખંજવાળ આવે છે. ડોક્ટરને બતાવ્યુ તો દવાનો ખર્ચ થયો પણ સમસ્યા તો પાણીના કારણે થઇ છે.
ડારનું પાણી પીધુ અને હોસ્પીટલના બિછાને પહોંચ્યો
નવી વાજડી ગામના માધુભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવેલું હતું કે, ડારનું પાણી કડવુ અને દુષિત હોવાથી હું બિમાર પડ્યો છું. છેલ્લા પાંચ દિવસથી ઝાડા-ઉલ્ટી થઇ ગયા અને સરપંચને વારંવાર વાત કરી પણ તેમણે ધ્યાન આપ્યુ નથી.
ડારનું પાણી પીવાથી વાળ ખરી રહ્યા છે
આ ડારનું પાણી એટલુ ખરાબ છે કે તે જરાપણ પીવા લાયક નથી. આ પાણી પીવાથી ઘણી સમસ્યા થાય, પેટમાં દુખે, વાળ ખરી રહ્યા હોવાનું દીપાલીબેને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.