ઊનાળીની સીઝનમાં જ સંજવાપુર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
ઊના પંથકનાં સંજવાપુર ગામની વાડી વિસ્તારમાં આશરે 150થી વધુ લોકો વસવાટ કરી રહ્યાં છે. સાત દિવસથી નજીકનાં સંપમાંથી નળી દ્વારા મળતુ પાણી બંધ કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને માલ-ઢોર તેમજ પિવા માટેનું પાણી મેળવવા મહિલાઓ- બાળકો સવારથી જ સંપ પર ચઢી પાણી ભરવા મજબૂર બન્યા છે.
સરપંચ દ્વારા પાણી બંધ કરાયું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. લોકોએ કહ્યું હતું કે, નજીકમાં જ પાણીનો કુવો છે. પરંતુ ખારાશ વાળુ પાણી હોય જેથી વપરાશમાં ઉપયોગ થાય છે.
પાણીની વ્યવસ્થા થઈ જશે: સરપંચ
આ અંગે સરપંચ જાદવભાઈ સોલંકીએ કહ્યું હતું કે, સંપમાં પાણીની મોટર મુકાયેલ હતી. અને બે-ત્રણ દિવસથી લાઈન કાપી હોવાથી સમસ્યા ઉભી થઈ છે. લાઈન મંજૂર કરીને બે-ત્રણ દિવસમાં સ્ટેન્ડ ફીટ કરી પાણીની વ્યવસ્થા કરાશે..
અમે તો મત દિધો હતો, પાણી ન મળ્યું
વાડી વિસ્તારમાં 12 વર્ષથી રહેતા બાબુભાઈએ કહ્યું હતું કે, 10 દિવસથી પાણી નથી આવતું અમે મત દીધો હતો. પણ પીવાનું પાણી બંધ કર્યું છે. અત્યારે સાઈકલ લઈને ભરવા જવુ પડી રહ્યું છે.
12 દિવસથી આ સમસ્યા, પાણી આપો
હંસાબેને કહ્યું હજુ કે, 12 દિવસથી આ સમસ્યા છે. નજીકમાં આવેલ ટાંકામાંથી પીવાનું પાણી મેળવવા બાળકને સાથે લઈ આવવું પડે છે. સરપંચને રજૂઆત કરી છે. છતાં કોઈ ધ્યાન અપાયું નથી. જુની વ્યવસ્થા મુજબ પાણી આપવા માંગ કરી છે.
પૂર્વ સરપંચે વ્યવસ્થા કરી’તી
આ અંગે જશોદાબેને જણાવ્યું હતું કે, પહેલા અમારા ઘરના નાણાથી નળી નાંખી હતી. અને પૂર્વ સરપંચે પાણીની વ્યવસ્થા કરી આપી હતી. અને વર્તમાન સરપંચે નળી કાપી નાંખી કહ્યું હતું કે, આ લાઈન છે. તે તમારે કાઢવાની છે.
મજુરીએ જાવું કે પાણી ભરવું
આ અંગે ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે, પીવાનું પાણી ટાંકામાંથી ભરવુ પડે છે. જેથી ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારે મજુરી કામે જવુ કે પાણી માટે ઘરે રહેવું. જેથી તુરંત પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે એ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.