3 વર્ષના દીકરાએ પિતાને કાંધ આપી:ઉનાના જવાને અરૂણાચલની બોર્ડર પર હિમવર્ષામાં દમ તોડ્યો; 15 કિ.મી. લાંબી અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યાં

ઉના7 દિવસ પહેલા

આજે ઉનાના ડમાસા ગામના દરેક લોકોની આંખ આંસુના દરિયા વહાવી રહી હતી. કારણ કે તેમનો વીર જવાન આજે અવસાન પામતાં તેનો મૃતદેહ માદરે વતન પરત ફર્યો હતો. આ વીર જવાને અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા પોતાનો દમ તોડ્યો હતો. ત્યારે સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 15 કિ.મી સુધી લાંબા રૂટ પર 2 કિ.મી જેટલી લાંબી લાઈનો લગાવીને પુષ્પગુચ્છ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અને છેલ્લે તેના 3 વર્ષના દીકરાએ તેના પિતાને કાંધ આપી હતી. જવાનના પુત્ર અને ભાઇએ તેમના વીરને રોતી આંખે વિદાય આપી હતી.

3 વર્ષના દીકરાએ પિતાને કાંધ આપી
3 વર્ષના દીકરાએ પિતાને કાંધ આપી

ચાલુ ટ્રેનિંગ દરમિયાન તબિયત ખરાબ થતાં...
ઊના તાલુકાના ડમાસા ગામના બે સગા ભાઇઓ ભારત દેશની આર્મીમાં માઁ ભોમની રક્ષા માટે જોડાયા હતાં. તેમાં વીર શહીદ લાલજી બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હતાં. ત્યાં ટ્રેનિંગ ચાલુ હોવાથી એ દરમ્યાન ભારે બરફ અને વરસાદના કારણે તબિયત ખરાબ થતાં તાત્કાલિક આર્મી કેમ્પમાંથી કલક્તા ખાતે હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન ચાલુ ફરજ બજાવતા વીર શહીદ લાલજીભાઇનું મૃત્યુ થયું હતું. તેની જાણ માદરે વતન આવતાંજ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ઼ ફરી વળ્યું હતું.

શહિદને અંતિમ વિદાય આપતાં પરિવારના આંખમાં આંસુ
શહિદને અંતિમ વિદાય આપતાં પરિવારના આંખમાં આંસુ

સૈનિકને શ્રદ્ધાંજલિ ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ
આ આર્મી જવાનનો મૃતદેહ માદરે વતન ઉના તાલુકાના ડમાસા ગામે આવી પહોંચતા હજારોની સંખ્યામાં સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતાં. વીર શહીદ લાલજીભાઇ બાંભણીયાને દેશ ભક્તિના ગીતો અને પુષ્પગુચ્છ દ્વારા સૈનિકને શ્રદ્ધાંજલિ ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી હતી. સમગ્ર વિસ્તારના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી તેમની અંતિમ વીધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 15 કિ.મી. લાંબી અંતિમ યાત્રા ડમાસા ગામેથી ભારત માતાની જય નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ સાથે નિકળી હતી. જેમાં આર્મી જવાનો, પોલીસ, એન સી.સી કેડરના જવાનો સહિતના સામાજીક, રાજકીય અને અગ્રણી આગેવાનો, યુવાનો અને વિવિધ સંગઠનના લોકો આ આર્મી વીર જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા.

લોકોએ ભારે હૃદય સાથે વીરને વિદાય આપી
લોકોએ ભારે હૃદય સાથે વીરને વિદાય આપી

પરિવારોની આંખોમાં અશ્રુઓ છલકાયા હતા
વીર જવાન લાલજીભાઇ બાંભણીયાના મૃતદેહ માદરે વતન ડમાસા ગામે આવતા ત્યાં પરિવારોની આંખોમાં અશ્રુઓ છલકાયા હતા અને સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો. સૈનિકના પરિવારોને સાંત્વના પાઠવવા ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, ધારાસભ્ય પુંજાભાઇ વંશ તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વિવિધ ગામના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને સૈનિક પરિવારના દુખમાં ભાગીદાર બની સાંત્વાન પાઠવેલ હતી.

15 કિ.મી. સુધી લાંબા રૂટ પર રેલી નીકળી
15 કિ.મી. સુધી લાંબા રૂટ પર રેલી નીકળી

ત્રણ વર્ષના દિકરાએ પિતાને કાંધ આપી
ડમાસા ગામના લાલજીભાઇ બાંભણીયાના લગ્ન ચાર વર્ષ પહેલા કોડીનારના વિઠ્ઠલપુર ગામે દેવુબેન સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર છે. તેમજ માતા-પુત્ર અને નાના ભાઇ વિપુલભાઇ બાંભણીયા સંયુક્ત કુંટુંબમાં રહેતા હતાં. લાલજીભાઇના નાના ભાઇ વિપુલભાઇ પણ આર્મીમેન સૈનિક તરીકે ફરજ બજાવે છે. તેમને આ ઘટનાની જાણ થતાં ઉનાના ડમાસા ગામે દોડી આવ્યાં અને મોટાભાઇ લાલજીભાઇની અંતિમ વીધીમાં જોડાયા હતા. તેમની સાથે ત્રણ વર્ષના દિકરાએ પિતાને કાંધ આપી હતી. આ વખતે સમગ્ર વાતાવરણ શોકમાં ફેલાય ગયું હતું.

ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

2 કિ.મી સુધી લાંબી લાઈન
ડમાસા ગામેથી માન-સન્માન અને રાષ્ટ્રીય માહોલ અને વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા યુવાનો આ સૈનિકનો પાર્થિવ દેહ સૈનિકના વાહનમાં લઇ નિકળ્યા હતાં. 15 કિ.મી.લાંબા રૂટ પર 2 કિ.મી લાંબી લાઈન લાગી હતી. ઉના ખાતે આવેલા મોદેશ્વરના સ્મશાન ઘાટમાં રાષ્ટ્રીય સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દરમિયાન રસ્તામાં આવતાં કેસરીયા, નાથળ, સીલોજ, સહિતના ગામોમાં લોકોએ વીર સૈનિકને આખરી સલામી અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...