આરોગ્ય વિભાગમાં દોડધામ મચી:ઉનાની કન્યા શાળામાં વિદ્યાર્થીનીને TD વેક્સિન આપતા બેભાન થઇ, સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ

ઉના4 દિવસ પહેલા
  • ડરના કારણે આવી ઘટનાઓ ઘણા લોકોમાં બનતી હોય છે

ઉનાના મોઠા ગામે રહેતી અને ગાંધી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીની બેભાન થઈ જતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. વિદ્યાર્થીનીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતી.

તાત્કાલિક ઇમરજન્સી 108 ને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવાઈ
મોઠા ગામે ધો.10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉના કે.વી સ્કુલમાં સવારે અભ્યાસ માટે આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટી.ડી નેશનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. જેમાં આ વિધાર્થીનીને ટી.ડી નેસનું વેક્સિન આપવામાં આવેલ હતું. થોડીવારમાં તેની તબિયત બગડતા શાળામાંથી શિક્ષક દ્વારા વાલીને જાણ કરી હતી. જેથી તેમનાં પરિવારજનો ઘરે લઈ ગયાં હતાં. જોકે ઘરે પણ તબિયત વધુ બગડતા તાત્કાલિક ઇમરજન્સી 108 ને જાણ કરી એમ્બ્યુલન્સમાં ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બાબતની જાણ તાત્કાલીક આરોગ્ય વિભાગને કરતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. વિદ્યાર્થીનીને સારવાર કરવામાં આવી હતી. વધુ તપાસ માટે ખાનગી ડોકટરને બોલાવવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ વિદ્યાર્થીની ભાનમાં આવી જતાં તેમનાં પરિવારજનોએ હાશકારો લીધો હતો.

ડરના કારણે આવી ઘટના બનતી હોય છે: વિપુલ ડુમાર (તા. હેલ્થ ઓફીસર)
ઉના તાલુકા હેલ્થ ઓફીસર વિપુલ ડુમારે જણાવેલ હતુ કે, સરકારના પ્રોગ્રામ અંતર્ગત ટી.ડી વેક્સીન જે બેક્ટરીયા અને ધનુર સામે રક્ષણ આપે છે. તેનો પ્રારંભ તા.1 ઓગષ્ટથી ચાલુ કર્યુ છે, આજે કે.વી સ્કુલમાં વેક્સીનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 120 વિદ્યાર્થીને ટી.ડીનું વેક્સીન આપવામાં આવેલ હતું. જેમાં ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેક્સીન આપ્યા પછી અચાનક ગભરામણના કારણે એ બેભાન થઇ ગઈ હતી. તેને સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ આવ્યા બાદ હાલ તેની સ્થિતી સારી છે અને અન્ય ડોક્ટરને પણ બોલાવી ટ્રીટમેન્ટ કરાવી છે. માનસીક રીતે ડરના કારણે આવી ઘટનાઓ ઘણા લોકોમાં બનતી હોય છે. હાલ આ વિદ્યાર્થીની તબીયત સારી હોવાનું જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...