સ્કૂલની દિવાલો પણ જ્ઞાનનો ખજાનો!:ઉનાની આકર્ષક વિષયખંડો ધરાવતી પ્રાથમિક સ્કૂલ; અહીં હાજરી પુરાવવા 'યસ સર' નહીં, 'જિલ્લાના નામ' અને 'વિજ્ઞાનના તત્વોની સંજ્ઞા' બોલાય છે

ઉનાએક મહિનો પહેલા

ગુજરાતમાં ધીરે ધીરે સરકારી સ્કૂલો પ્રાઈવેટ સ્કૂલોને ટક્કર આપી રહી છે. કેટલીક સરકારી સ્કૂલોમાં તો ખાનગી સ્કૂલો કરતા પણ વધારે સુવિધા જોવા મળે છે. તો ગ્રામ્ય વિસ્તારની સરકારી સ્કૂલો વિદેશી સ્કૂલોની જેમ વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ટિવિટીના મારફતે શિક્ષણ આપે છે. ત્યારે આજે આપણે ઉના તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી ડમાસા ગામની એક પ્રાથમિક સ્કૂલ વિશે જણાવી રહ્યા છીએ. જ્યા આકર્ષક વિષયખંડોની સાથે અલગ જ અંદાજે હાજરી પુરવામાં આવે છે. અહીં બાળકોની સાંસદ બનાવી એમના કામની વહેંચણી કરવામાં આવે છે. જેમાં કમ્પ્યુટર લેબ, મધ્યાહન ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્કૂલ સફાઈ, પુસ્તકાલય, રમતગમત, આરોગ્ય અને પ્રાર્થના સમિતિ બનાવી બાળકોને કામની સોંપણી કરવામાં આવે છે. જેથી એમનામાં મેનેજમેન્ટના ગુણો નાનપણથી જ વિકસે.

અહીં દરેક દિવાલ પરથી જ્ઞાન મળે છે
ઉના તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી ડમાસાની આ સ્કૂલ વર્ષ 1956માં સ્થપાયેલી છે. આ સ્કૂલના પ્રવેશદ્વારમાં પગ મૂકતાંની સાથે જ આંખો સમક્ષ હરિયાળી છવાયેલી જોવા મળે છે. તો બગીચામાં ડ્રિપ ઈરિગેશનથી ઉછરેલા ગલગોટા, ડોલરથી લઈ ગુલાબની સુગંધ મનને તરબતર કરી દે છે. રમતના મેદાનમાં બાળકોનો મસ્તીભર્યો કિલકિલાટ કાનમાં પડતાની સાથે જ તમારૂ બાળપણ નજર સમક્ષ તરવા લાગશે. બાળકોના મૂલ્યાત્મક અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ પાયાનું શિક્ષણ પૂરી પાડતી અંતરિયાળ વિસ્તારમાં આવેલી સુંદર સ્કૂલ એટલે ઉના તાલુકાની ડમાસા પ્રાથમિક સ્કૂલ. અહીં દરેક 'દિવાલ પરથી જ્ઞાન મળે છે, સ્કૂલમાં પગથિયાંથી લઈને છત અને તમામ દિવાલો સુધી તમને બધે જ શિક્ષણ સામગ્રીના જ ચિત્રો નજરે પડશે. સૌથી સારી બાબત એ છે કે, આ તમામ ચિત્રકામ શિક્ષકોએ જાતે જ બનાવ્યા છે. જેમાં બારાક્ષરી, જિલ્લાના નામ, તત્વોની સંજ્ઞા, તારામંડળ, ગ્રહથી લઈ નકશા પણ દોરેલા જોવા મળશે. બાળકો રોજ સ્કૂલે આવે એટલે આ તમામ શૈક્ષણિક સામગ્રી તેમની નજર સમક્ષ હોવાથી યાદ રાખવામાં પણ સરળતા રહે છે. આ જ કારણે બાળકો પણ પ્રેમથી કહે છે કે, ‘અમારી સ્કૂલની દિવાલો જ્ઞાનનો ખજાનો છે.

બાળકોની સંસદ સમિતિ
સ્કૂલના આચાર્ય અને શિક્ષકોના અથાગ પરિશ્રમથી છેલ્લા કેટલાક વર્ષોમાં આ સ્કૂલ 'A' ગ્રેડ લાવતી થઈ છે. સ્કૂલના આચાર્ય શભરતભાઈ નકુમે કહ્યું હતું કે, બાળક સતત અને નિરંતર શિક્ષણ લે છે. અમારી સ્કૂલમાં શિક્ષણ બાળકો પર થોપવામાં નથી આવતું પણ સોંપવામાં આવે છે. અહીં બાળકોની સાંસદ બનાવી એમને કામની વહેંચણી કરવામાં આવે છે. અહીં કમ્પ્યુટર લેબ, મધ્યાહન ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્કૂલ સફાઈ, પુસ્તકાલય, રમતગમત, આરોગ્ય અને પ્રાર્થના સમિતિ બનાવી બાળકોને કામની સોંપણી કરવામાં આવે છે. જેથી એમનામાં મેનેજમેન્ટના ગુણો નાનપણથી જ વિકસે.

‘ભાર વગરના ભણતર’ને યથાર્થ કરતી સ્કૂલ
આ સ્કૂલની બીજી એક ખાસિયત છે કે, અહીં દરેક બાળકોને પુસ્તકોના જૂના-નવાં એમ બે સેટ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક સેટ ઘરે રાખે છે અને બીજો સેટ સ્કૂલમાં રાખે છે, જેથી દફતરમાં એમને માત્ર એક નોટબુક જ લાવવાની રહે છે. આ રીતે ખરા અર્થમાં આ સ્કૂલ ગુજરાત સરકારના ‘ભાર વગરના ભણતર’ની વ્યાખ્યાને યથાર્થ ઠેરવે છે.

સ્કૂલની વિષયખંડ પદ્ધતિ પણ અલગ છે
આ સ્કૂલના વર્ગખંડના નામ પણ ચાણક્ય, જગદિશ ચંદ્ર બોઝ, રામાનુજન જેવી મહાન વિભૂતીઓ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં અપનાવવામાં આવતી 'વિષયખંડ' પદ્ધતિ અલગ જ લાગુ કરવામાં આવી છે. પરંપરાગત પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હોય છે અને શિક્ષકો ભણાવવા આવે છે. જ્યારે વિષયખંડ પદ્ધતિમાં શિક્ષકો વર્ગખંડમાં રહે છે અને અલગ-અલગ ધોરણનાં બાળકો સામાજીક, ગણિત, વિજ્ઞાન અને ભાષાખંડ જેવા વિષયખંડમાં વારાફરતી વિષયને લગતું જ્ઞાન મેળવવાં આવતા રહે છે. વળી આ સ્કૂલમાં બાળકોની હાજરી પૂરાય ત્યારે 'યસ સર' બોલવાના બદલે 'જિલ્લાના નામ', 'વિજ્ઞાનના તત્વોની સંજ્ઞા' વગેરે બોલીને હાજરી પૂરવામાં આવે છે.

અભ્યાસ ઉપરાંતની ઈતરપ્રવૃત્તીઓ
આ સરકારી સ્કૂલનું સંકુલ 10 વિઘામાં ફેલાયેલું છે. સ્કૂલમાં ધોરણ 1થી 4નું અને ધોરણ 5થી 8નું અલગ બિલ્ડિંગ છે. સ્કૂલમાં શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તીઓમાં ગાર્ડનિંગ, સંગીતમાં ઢોલક-તબલાં, ખો-ખો, ફૂટબોલ, કબડ્ડી જેવી રમતગમતની પ્રવૃત્તીઓનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની લેબ પણ છે. ઉપરાંત સ્કૂલને વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ દ્વારા સજાવવામાં આવેલી છે. જે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવે છે. આ સમગ્ર સ્કૂલ સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે, તેમજ વિદ્યાર્થીઓને આરઓ પ્લાન્ટ દ્વારા પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત ઘનકચરામાંથી ખાતર બનાવવા માટેની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

અનોખું આકર્ષણ ઉભું કરે છે સ્કૂલની લાઈબ્રેરી
સ્કૂલની લાઈબ્રેરી પણ આકર્ષણ ઉપજાવે એવી વિશાળ પુસ્તકો ધરાવે છે. જેમાં પુસ્તકોનું લિસ્ટ વાંચીને વિદ્યાર્થી પુસ્તક મેળવવા માટે પોતાનું નામ અને મનગમતા પુસ્તકનું નામ લખી લાઈબ્રેરી બોક્સમાં ચિઠ્ઠી નાખે છે અને ત્યારબાદ અન્ય બાળકોની લાઈબ્રેરી સમિતિ તેમને નક્કી કરેલા સમય અને વાર અનુસાર પુસ્તક વાંચવા માટે ફાળવી આપે છે. બાળકોમાં નીતિના ગુણો વિકસે એ માટે 'રામહાટ', 'ખોયા-પાયા' જેવા કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે. રામહાટમાં એક નાની સ્ટેશનરી જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનું સમગ્ર સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે. જ્યારે ‘ખોયા-પાયા’ વિભાગમાં સ્કૂલમાંથી જડી આવેલી વિવિધ વસ્તુઓને રાખવામાં આવે છે અને જેની હોય તેમને પરત આપવામાં આવે છે.

સ્કૂલની મહત્વની સિદ્ધીઓ
સ્કૂલ ઓફ એક્સલન્સમાં સ્કૂલનું મૂલ્યાંકન અને એકેડમિક પર્ફોર્મન્સ 80% છે. જ્યારે અહીંના તેજસ્વી વિદ્યાર્થીઓ NMMS તેમજ PSE જેવી અઘરી પરિક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ સરકાર દ્વારા અપાતી શિષ્યવૃતિ મેળવતા થયાં છે. ઉપરાંત સ્કૂલના નામે સ્વચ્છતા એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક માટેના પુરસ્કાર સહિત અન્ય ઉપલબ્ધિઓ પણ નોંધાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...