રાજકીય માહોલ ગરમાયો:ઉનાના રાષ્ટ્રીય સમાજ દળના ઉમેદવારને કોર્ટનું તેડુ; પોલીસે અટકાયત કરી સુરત રવાના કર્યા

ઉના5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર વેગ પકડી રહ્યો છે, ત્યાંજ 93 ઉના વિધાનસભામાં રાષ્ટ્રીય સમાજ દળના ઉમેદવારી કરનાર ઉમેદવારનો સુરત કોર્ટે વોરંટ ઈસ્યું કર્યો છે. જેથી ઉના પોલીસે તાત્કાલીક ઉમેદવારની અટકાયત કરી સુરત રવાના કરતા અન્ય પક્ષોના ઉમેદવારોની છાવણી ગેલમાં આવી ગયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાષ્ટ્રીય સમાજ દળના ઉમેદવારીને કોર્ટમાં હાજર રહેવા આદેશ
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ 93 ઉના વિધાનસભાના રાષ્ટ્રીય સમાજ દળના ઉમેદવારી કરનાર શાંતિલાલ દાનાભાઇ કિડેચા રહે. અંબાડા હાલ ઉના વર્ષ 2022ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સમાજ દળમાં ઉમેદવારી નોધાવી છે. પરંતુ આ ઉમેદવારે ભુતકાળમાં સુરત મુકામે કોઇ ગુનામાં સંડોવણી હોવાનો કેસ સુરત નામદાર કોર્ટમાં ચાલતો હતો. પરંતુ ઉમેદવાર કોર્ટમાં હાજર ન થતાં નામદાર કોર્ટે અટકાયત વોરંટ કાઢી અને તા.25 નવે.ના કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો.

વોરંટ નિકળતા સમગ્ર પંથકમાં ચર્ચા
આ પકડ વોરંટ ઉના પોલીસને મળતા ઉના પોલીસે તાત્કાલીક આ વોરંટનો અમલ કરતા ઉમેદવારને તાત્કાલીક પકડી ઉના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે જરૂરી કર્યવાહી પૂર્ણ કરી સ્થાનિક પોલીસ સાથે ઉમેદવારને સુરત મુકામે રવાના કર્યા છે. આમ ચૂંટણીના ટાણે એક તરફ ઉમેદવાર મત મેળવવા ઘરે ઘરે હાથ જોડતા હતા. ત્યાં બીજી તરફ કોર્ટનું તેડુ આવતા ઉમેદવારે ચૂંટણી પડતી મુકી સુરત કોર્ટમાં જવા નિકળી ગયા હતા. જ્યારે ઉમેદવારનું વોરંટ નિકળતા સમગ્ર પંથકમાં ચર્ચા ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...