ભ્રષ્ટ ઓપરેટરની કાળી કરતૂત:ઉના મામલતદાર કચેરીના ઓપરેટરનો પર્દાફાશ; 9 એકાઉન્ટ સાથે ચેડાં કરી વિધવા સહાયના લાખો રૂપિયા પચાવી પાડ્યા

ઉનાએક મહિનો પહેલા

ઉના મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાની લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં જમા થતી રકમના ડેટા સાથે ચેડાં કરી સરકારમાંથી આવતી સહાય તેમના સગા સંબંધીઓના ખાતામાં જમા કરાવી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે ઉનાના ધારાસભ્ય મામલતદાર કચેરીએ ધસી ગયા હતા અને આ અંગે મામલતદારને આકરા શબ્દોમાં યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું. જેમાં મામલતદાર દ્વારા તપાસ કરાતાં ઓપરેટર દ્વારા 9 લાભાર્થીઓના એકાઉન્ટ નંબર ચેન્જ કરી રૂ. 2.23 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઓપરેટરે કૌભાંડ આચર્યુ
ત્યારે ધારાસભ્યે આ બાબતે તટસ્થ અને ન્યાયીક તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા પણ માંગણી કરી છે. ઉના પંથકમાં એક અંદાજ મુજબ 7 હજારથી વધુ વિધવા સહાય યોજનાના લાભાર્થીઓની સંખ્યા છે અને આ વિધવા મહિલાઓને સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ વિધવા મહીલાઓને આર્થિક સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ રકમ લાભાર્થીઓના ખાતામાં જ જમા થતી હોય છે. પરંતુ ઉના મામલતદાર ઓફિસમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઓપરેટર આ વિધવા સહાય યોજનાનું ટેબલ સંભાળતો હોય અને છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતો હોવાથી વિધવા સહાય યોજનાની સંપૂર્ણ વિગત ઓફિસના અધિકારી કરતાં વધુ જાણકારી આ ઓપરેટરને વધારે હોવાની મામલતદાર કચેરીના સ્ટાફમાંથી જાણવા મળી છે.

ડ્રાઇવરના ખાતામાં એક કરતા વધુ લાભાર્થીની રકમ જમા થઈ
આ ઓપરેટર દ્વારા આ વિધવા મહિલાના બેંક એકાઉન્ટના ડેટા બદલાવી નાખ્યા હોવાનું ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કરેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. આ ઓપરેટરે લાભાર્થી મહિલાને બદલે મળતિયાઓના બેંક ખાતા નંબર અને વિગતો બદલી નાખી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઉના મામલતદારના ડ્રાઇવરના ખાતામાં એક કરતા વધુ લાભાર્થીની રકમ જમા થઈ છે. તે સિવાય કર્મચારીઓના સંબંધીઓના ખાતામાં પણ આવી રકમ જમા થતી હોવાનું સામે આવ્યું છે. આમ આ કૌભાંડની સંપૂર્ણપણે અને ન્યાયિક તપાસ થાય તો આ કૌભાંડ હજુ પણ મોટો આંકડો પાર કરે તો નવાઇ કહેવાશે નહીં. ત્યારે વિધવા સહાય યોજનાના સાત હજારથી વધુ ખાતા હોવાથી આ તમામ ખાતાની તપાસ કરવા હાલ મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હશે તે પણ તપાસનો વિષય છે. આ કૌભાંડ મામલતદાર કચેરીમાં જ થતું હોય અને આ કૌભાંડથી અધિકારી અજાણ હોય તેવા પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.

મહિલાઓને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ
આ બાબતે ધારાસભ્ય પૂંજાભાઇ વંશ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં મામલતદારને વિધવા મહિલાઓની યાદીની માહિતી આપવા જણાવ્યું હતું. આ નાણાંકિય ઉચાપતનું કૌભાંડ હોવાનું કહેતાં મામલતદારે ખુદ પોતે પણ આ પ્રકારનું કાર્ય ઓપરેટરે કર્યુ હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉચાપતનું કૌભાંડ ગંભીર બાબત હોય વિધવા મહિલાઓને સહાય ન મળી હોય તે મહિલાઓને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.

9 લાભાર્થીઓના એકાઉન્ટમાં એકાઉન્ટ નં ચેન્જ થયા
આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે ઓનલાઈન એકાઉન્ટસની વિગતો ચેક કરતાં જાણવા મળ્યું હતું કે 9 લાભાર્થીઓના એકાઉન્ટમાં એકાઉન્ટ નં ચેન્જ થયાં છે. આ 9 એકાઉન્ટમાં નં. ચેન્જ થયા બાદ 2 લાખ 23 હજાર ગયા છે. 9માંથી 5 લાભાર્થીઓની વિગતોમાં ઓપરેટર દ્વારા ચેડા કરાયા હોવાનું સામે આવ્યું છે. જે અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે, વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...