આરોગ્ય નિયામકે જાહેરમાં ઉધડો લીધો:ઉના સરકારી હોસ્પિટલમાં સફાઈ, પગાર બાબતે અધિક્ષકને ખખડાવ્યા; સુપ્રિટેન્ડેન્ટને ગીતાનો 11મો અધ્યાય યાદ અપાવી દીધો

ઉના23 દિવસ પહેલા

ઉના સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ કથળેલી હોવાના કારણે દુર દુરનાં વિસ્તારમાંથી આવતાં દર્દીઓને સારવાર બાબતે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા પુરતુ ધ્યાન નહીં અપાતા તેમજ સફાઈ, પાણી, દર્દીનાં પલંગ, ગાદલા, ઓછાડ, તકીયા તેમજ સારવારમાં આવતાં દર્દી માટે કામ કરતાં કર્મચારીને જોતાં કેમીકલ પેડ તેમજ દવા સહિતના જરૂરીયાત મુજબ સાધન સામગ્રી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ખરીદી કરાતી નહીં હોવાની ફરીયાદો કર્મચારીઓ દ્વારા થતાં ભાવનગરના આરોગ્ય તબીબ નિયામક ડૉ. મનિષ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મુલાકાત દરમ્યાન અનેક ક્ષતિઓ બહાર આવતા જાહેરમાં ઉના સરકારી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ જય પાધરેસાને ખખડાવી નાખીને ગીતાના અધ્યાયના અગિયારમો પાઠ વાંચવા શીખ આપી.

તમારી પીઠ પાછળ બધાજ દર્દી, કર્મચારીઓ ફરીયાદ કરે છે
ઉના તાલુકાના આજુબાજુના 70 ગામ તેમજ શહેરી વિસ્તારના લોકોના આરોગ્ય સેવાઓ તેમજ ડીલેવરી, એમ.એલ.સી કેસ અને નાના મોટા રોગોની માટે દરરોજ 200 જેટલા દર્દીઓથી ઉભરાતી સિવિલ હોસ્પિટલનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ અધિક્ષક જય પાધરેસા નિમણૂંક કરવામાં આવ્યા છે. તે પછી હોસ્પિટલની આરોગ્ય સેવાઓ કથળેલી હોવાથી અગાઉ પણ ભાવનગર આરોગ્ય નિયામકે ચેકીંગ દરમ્યાન સુચનાઓ આપવામાં આપી હતી, પરંતુ કોઈ સુધારાઓ નહીં કરાતાં નિયામક ડૉ. મનિષ અધિક્ષકે જાહેરમાં ઉધડો લીધો હતો અને જણાવેલ કે ભગવાન બધું જોવે છે તમને પૈસા કમાવવા પાછળ રહેવા અહીં નથી મુક્યાં, તમારી પીઠ પાછળ બધાજ દર્દી, કર્મચારીઓ ફરીયાદ કરે છે.

રોજમદારોના પગાર બાબતે પણ ફરીયાદો ઉઠી હતી
નિયામકની વિઝીટ દરમ્યાન ઈમરજનસી વોર્ડમાં પડદા તેમજ ટેબલ પર ચાદર, તકીયા નહીં હોવાનું તેમજ ગંદકીથી ખદબદતા રૂમ આડેધડ પડેલા માલસામાન અને કર્મચારી સ્ટાફને જરૂર જોતા કેમીકલ દવા પેડ જેવી ચીજવસ્તુ નહીં હોવાનું જોવા મળી હતી. આવી વસ્તુઓ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેમ છતાં ખરીદી નહીં કરાતી હોવાની કર્મચારીઓએ ફરીયાદ કરી હતી. આ બાબતે અધિક્ષકે પોતાના બચાવમાં આવી ખરીદી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. તેવું જણાવતા નિયામકે અધિક્ષકની સત્તા અને નિયમો સમજાવતા આવી સામાન્ય ખરીદી ટેન્ડરની કોઈ જરૂરિયાત રહેતી નથી. તેમ જણાવીને તતડાવી નાંખ્યા હતા. આ મુલાકાત દરમિયાન સફાઈ કર્મચારીના પગાર પણ બે માસથી કરાયાં નથી. 35 કિ.મી દુરથી રૂ. 7 હજાર પગારમાં સફાઈ કામદાર કામ કરવા ઉના હોસ્પિટલમાં આવતાં હોય તેવાં નાનાં રોજમદારોનાં પગાર બાબતે પણ ફરીયાદો ઉઠી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કર્યો હતો.

વખતો વખત હોસ્પિટલનું ચેકીંગ હાથ ધરાશે
ઉના સરકારી હોસ્પિટલના તબીબ સમયસર પોતાની ફરજ બજાવે, કર્મચારી, નર્સીગ સ્ટાફ દ્વારા સારવારમાં આવતાં દર્દીને કોઈ પ્રકારની તકલીફ અનુભવવી પડે નહીં, રાજ્ય સરકારનાં આરોગ્ય યોજનાઓ સેવાઓનો દરેક નાગરીકને પુરતો લાભ મળે તેવી દરેક સુચનાઓ આ વિઝીટ દરમ્યાન નિયામકે આપી હતી. વખતો વખત આ સરકારી હોસ્પિટલની ચેકીંગ હાથ ધરવામાં આવશે અને સુવિધા યુકત બનાવાશે તેવું જણાવેલ હતું.

અધિક્ષકને ગીતાનું જ્ઞાન આપ્યું
મનિષ નિયામક આરોગ્ય સેવાઓ ભાવનગર દ્વારા જાહેરમાં ઉના સરકારી હોસ્પિટલમાં તમામ કર્મચારીઓની હાજરીમાં અધિક્ષક જયપાધરેસાને ગીતાના પાઠ ૧૧નું જ્ઞાન આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યના પીઠ પાછળ બોલાયેલા શબ્દો મૃત્યુ કરતાં વધુ ખરાબ છે. આ શબ્દો દર્દી અને કર્મચારી તમારા માટે બોલે છે. ભગવાન બધું જોવે છે, અહીં પૈસા કમાવવા મુક્યાં નથી. આટલામાં સમજી જવાનું જાહેરમાં અપમાનિત કરવું વ્યાજબી નથી આવાં કઠોર શબ્દ પ્રયોગ નિયામકે કહ્યાં હતાં.

ધણા સમયથી વહીવટ કથળ્યો છે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉના તાલુકાનું હતું. ત્યારબાદ વસ્તીને ધ્યાને રાખીને ઉનાને સિવીલ હોસ્પીટલ પેટા સબ ડિવિઝન બનાવ્યા બાદ ઘણીજ સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ અધિક્ષકની નિમણૂંક કરવામાં આવી ત્યારે બાદ આ હોસ્પિટલમાં સારવારમાં આવતાં દર્દી પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપતાં અને ડિલીવરીમાં આવતી સગર્ભા સ્ત્રીને બાળકો માટે કિટની સુવીધાઓ પણ આપવામાં આવતી નથી. ઈમરજન્સી સારવાર વોર્ડ અને પાણી, સફાઈ, કેમીકલ દવા વગેરે ઉપસ્થિત નહીં હોવાથી દર્દીઓ ના છુટકે પ્રાઈવેટ હોસ્પીટલ તરફ ધકેલાયા છે. આવી તમામ બાબતો નિયામકે ગંભીરતા પૂર્વક ધ્યાને લેતા કર્મચારી સ્ટાફ અને તબીબમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

આવનારા સમયમાં દર્દીઓેને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે
નિયામક દ્વારા કોરોનાની આવનારી લહેર અને રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલ ગાઈડ લાઈન મુજબ ઉના સરકારી હોસ્પિટલમાં ઉભા કરાયેલા કોરોના માટેના રૂમ તેમજ ઓક્સિજન પ્લાન્ટના સાધનો અને બાટલા અંગે જણાવેલ કે, હાલમાં ખાલી બાટલા પણ તાત્કાલિક ભરાવી તમામ વોર્ડમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલી હતી. આવનાર દિવસોમાં અહિં સારવારમાં આવતાં દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તે માટેની સંપૂર્ણ તૈયારી કરાવેલી હતી.

અન્ય સમાચારો પણ છે...