ખળભળાટ:ઊના મા.કચેરીમાં હંગામી કર્મીએ વિધવા સહાયની રકમ સગાસબંધીઓના ખાતામાં જમા કરાવી લીધી

ઊના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય વંશે મહિલા અને બાળ વિકાસ વિભાગ, કલેકટરને રજૂઆત કરતા ખળભળાટ

ઊના મામલતદાર કચેરીના હંગામી કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમના લઈ ડેટા સાથે ચેડા કરી આ રકમ સગા-સબંધીઓના ખાતામાં જમા કરાવી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનંુ કૌભાંડ બહાર આવતા ઊનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગીર-સોમનાથ કલેકટરને રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે. અને તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. ઊના પંથકમાં આશરે 7 હજારથી વધુ લાભાર્થીઓ વિધવા સહાય યોજનાનો લાભ લઈ રહ્યાં છે. આ રકમ મહિલાઓના ખાતામાં જ જમા થતી હોય છે.

પરંતુ મામલતદાર કચેરીમાં આઉટસોર્ચ કર્મચારી કે જે વિધવા સહાય યોજનાનું ટેબલ સંભાળતો હોય અને 3 વર્ષથી ફરજ બજાવતો હોવાથી આ યોજનાથી સંપૂર્ણ વાકેફ હતો. અને વિધવા મહિલાઓના બેંક એકાઉન્ટના ડેટા બદલાવી નાંખ્યા હોવાનું ધારાસભ્ય પુંજાભાઈ વંશે રજૂઆતમાં જણાવ્યું છે. આ ઓપરેટર લાભાર્થી મહિલાઓના બદલે મળતીયાઓના બેંક ખાતા નંબર અને વિગતો દાખલ કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જ્યારે ઊના મામલતદારના ડ્રાઈવરના ખાતામાં એક કરતા વધુ લાભાર્થીની રકમ જમા થઈ છે. આ ઉપરાંત અન્ય કર્મચારીઓના સંબંધીના ખાતામાં રકમ જમા થતી હોવાનું બહાર આવ્યું છે. જો આ મુદ્દે તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ તો ઊના મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલતુ હશે એ પણ તપાસ થવી જરૂરી છે.

મારા ડોક્યુમેન્ટનો ગેર ઉપયોગ કર્યો : ડ્રાઈવર
આ અંગે મામલતદારના ડ્રાઈવર ભીમાભાઈ મકવાણાએ કહ્યું હતું કે, મારો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા ઓપરેટરને કાગળો આપ્યા હતા. જેમનો ગેરઉપયોગ કરી મારા ખાતામાં 27 હજારથી વધુ રકમ આવી હોય જેમની જાણ મે મામલતદારને કરી છે.
પોલીસ ફરિયાદ દાખલ કરાશે
આ કૌભાંડ અધીકારીની નજર સમક્ષ બન્યુ હોય અને અધિકારી અંધારામાં હોય ત્યારે આ પ્રકરણ ઉચાપતનું હોય જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે એમ મામલતદારે જણાવ્યું હતું.
4 લાભાર્થીના ખાતામાં 1 લાખથી વધુનું કૌભાંડ
આ સમગ્ર પ્રકરણમાં 4 લાભાર્થીઓના ખાતામાંથી રૂ.1 લાખથી વધુનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે હજુ બીજા ખાતાઓનું મામલતદાર દ્વારા તપાસ શરૂ હોય વધુ વિગત બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી.
હવે સહાય કોણ ચૂકવશે ?
આ પ્રકરણ બહાર આવ્યા બાદ લાભાર્થીઓ ચિંતીત બન્યા છે અને એક જ સવાલ કરી રહ્યાં છે કે, હવે અમને સહાય કોણ ચૂકવશે ?

અન્ય સમાચારો પણ છે...