કચવાટ:ઊના પંથકનાં શિક્ષકોના ખાતા એક્સીસ બેંકમાં ખોલાવવાનો આદેશ થતા કચવાટ

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરતા કર્મીઓ મુંજવણમાં મુકાયા : હવે શું ?

તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બહાર પડાયેલા આદેશમાં જણાવ્યા અનુસાર 18 જુન 2022માં એક્સીસ બેન્ક અને પે.સેન્ટરનાં મુખ્ય શિક્ષકો, તાલુકા શિક્ષણાધિકારી સાથે બેઠક મળી હતી. જેમાં આ બેંક દ્વારા અપાતા લાભો તેમજ ખાતા ખોલવા મુદ્દે મંજૂરી અપાઈ હતી. જે સંદર્ભે તાલુકાનાં જે શિક્ષકો એક્સીસ બેન્કમાં ખાતુ ખોલાવવા માંગતા હોય તે સ્વેચ્છાએ ખોલાવી શકે છે.

અને બેંકનો સ્ટાફ પણ જે તે શાળામાં જશે. જે પરિપત્ર શિક્ષકો અને આચાર્યોને મોકલતા ભારે ચર્ચા જાગી છે. મોટાભાગની શાળાના સ્ટાફે કહ્યું હતું કે, રાષ્ટ્રીયકૃત બેંકમાં પહેલેથી જ ખાતા હતા. જે ફરી વખત આ બેંકમાં ખોલાવવાનો આદેશ થયો છે તો શું કરવું ? એ પણ એક પ્રશ્ન છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, વર્ષોથી પગાર પણ જુના ખાતામાં થતો હોય તો આ નિર્ણય શું કામ એ મુદ્દે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

શું કહે છે અધિકારી ?
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વાજાએ કહ્યું હતું કે, આવો કોઈ પરિપત્ર થયો નથી. કર્મચારી કોઈપણ બેંકમાં ખાતુ ખોલાવી શકે છે. ઊના તાલુકા શિક્ષણાધિકારીએ આવો પરિપત્ર આવેલ છે જે મને ખ્યાલ નથી. અમારી મંજૂરી લીધી નથી. અને અમને પરીપત્ર કર્યાની નકલ પણ મોકલી નથી. જ્યારે તાલુકા શિક્ષણાધિકારી અશ્વિનકુમાર પટેલે કહ્યું હતું કે, શિક્ષકોની ફરિયાદ આવેલ છે કે, બાળકોના ખાતામાં સહાયની રકમ જતી નથી અને બેંક સર્વીસ આપતી નથી એટલે મે એક્સીસ બેંકમાં ખાતા ખોલાવવા સ્વેચ્છીક પરીપત્ર બહાર પાડ્યો છે.

તો સવાલ એ થાય કે ઊના, ગીરગઢડા પંથકના આચાર્ય, શિક્ષકોના ખાતા ખોલાવવા આદેશ કર્યો છે. જેમાં બાળકોનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. જ્યારે આ અધિકારી એક મિટીંગમાં ગયા હોવાનો પણ ઈન્કાર કર્યો હતો. જ્યારે આદેશમાં પોતાની રૂબરૂમાં શિક્ષકો સાથે અને બેંક સાથે મિટીંગ કર્યાનો અને લાભો અંગેનો ઉલ્લેખ કરેલ છે. આદેશમાં તા.પં. કચેરીમાં એક્સીસ બેંકના કર્મીઓને શિક્ષકોના પગારના ખાતા ખોલાવવાની મંજૂરી આપી છે. તેવો ઉલ્લેખ કર્યો છે. પરંતુ ટીડીઓએ આવી કોઈ મંજૂરી ન આપી હોવાનું જણાવ્યું હતું. આમ ટીપીઓ ઊના આ મુદ્દે ગોળગોળ વાતો કરી પ્રકરણ પાછળ કોઈને લાભ કરાવવા માંગે છે એવા સવાલો ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...