ઉના ‌તાલુકા પંચાયત જર્જરિત હાલતમાં:કર્મચારી તથા અરજદારોના જીવ જોખમમાં; રૂમના તથા બહારના ભાગે છત ઉપરથી ગમે ત્યારે પોપડા પડે તેવી સ્થિતિ સર્જાઈ

ઉના22 દિવસ પહેલા

ઉના તાલુકા પંચાયત કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે. ત્યારે આ જર્જરીત કચેરીના કારણે લોકોના જીવજોખમમાં મુકાય ગયેલ હોય તાલુકા પંચાયત કચેરીનું સમારકામ અથવા ક્યારે જગ્યા ફાળવણી અને નવી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામેલ છે. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરીત બિલ્ડીંગના રૂમમાં તેમજ બહારના ભાગે છત પરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડે એ વાત નકારી શકાય નહીં. તેમજ કોઇપણ સમયે ધરાશાઇ થવાની દહેશત હોય ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું છે કે શું? કોઇપણ અજરદાર આવે ત્યારે ભય અનુભવે છે. ત્યારે જોવુ રહ્યું કે, ઉના તાલુકા કચેરીનું હાલ સમારકામ થાય છે કે કેમ, ઘણા વર્ષોથી અનેક તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને ગયા પરંતુ તા. પંચાયત કચેરીનું સમારકામ થયુ. પરંતુ નવનિર્માણ હજુ થયેલ નથી. આથી તા.પં.કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે.

તાલુકા પંચાયત કચેરીના નવા બિલ્ડીંગ મંજુર થઇ ગયેલા છે: સામત ચારણીયા
તા.પંચાયત પ્રમુખના પ્રતિનીધી સામત ચારણીયાએ જણાવ્યું હતું કે, અરજદારોને કચેરી જર્જરિત છે તેનો ભય સતાવે છે. તેના માટે ઉનાના નવ નિયુક્ત ધારાસભ્ય કે.સી. રાઠોડ દ્વારા જીલ્લા માંથી ટીમને બોલાવી અને સીલોજ ગામે એક જગ્યા પણ બતાવેલી છે. નવી તાલુકા પંચાયત કચેરી જગ્યા પણ મંજુર થઇ ગયેલી છે. આ જગ્યા આર.એમ.બી.માં સોંપાઈ ગયેલી છે. ટુંક સમયમાં તાલુકા પંચાયત કચેરીના નવા બિલ્ડીંગની મંજૂરી મળી જશે.

નવી તાલુકા પંચાયત કચેરી માટે ફાળવણી થઈ ગઈ છે: ટી.ડી.ઓ
ઉના તાલુકા વિકાસ અધિકારી એ.આર. બતરીયા એ જણાવેલ કે, નવી તાલુકા પંચાયત કચેરીની માંગણી મુકેલ છે. વહિવટી તંત્ર દ્વારા તા.21 જુન 2022ના રોજ નવી તાલુકા પંચાયત કચેરી માટે જમીનની પણ ફાળવણી થઈ ગઈ છે. સરકાર દ્વારા નવી તાલુકા પંચાયત કચેરી બનાવવાની કામગીરી ઝડપથી થાય એવા પ્રયાસો કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીના રહેશે.

સરકાર દ્વારા તાલુકા પંચાયત કચેરી તાત્કાલીક બનાવવા માંગ: ભરત શીગડે
ભરત શીગડે જણાવેલ કે, ઉના તાલુકા પંચાયત કચેરીમાં પહેલી નજરે જ તાલુકા પંચાયત કચેરી જોતા ડર લાગે છે. કારણ કે તાલુકા પંચાયતના તમામ ઓરડાની છતો જર્જરિત અને છત પરથી પોપડા પડે છે. અહિ આવતા અરજદારોને પણ તાલુકા પંચાયતના કામે આવતા ડર લાગે છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક તાલુકા પંચાયતની કચેરીનું સમારકામ થાય અથવા તો નવનિર્માણ કરવામાં આવે તો મોટી દુર્ઘટના બનતી અટકી શકે છે.

અન્ય સમાચારો પણ છે...