ઊના સિવીલ હોસ્પિટલમાં કથળતી જતી આરોગ્ય સેવાને લઈ દર્દીઓને મુશ્કેલીઓ પડી રહી છે. અને સિવીલના અધિક્ષક પુરતુ ધ્યાન ન આપતા હોય તેમજ કેમિકલ પેડ, દવા સહિતની જરૂરીયાત મુજબની સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં ખરીદી ન કરાતી હોવાની કર્મીઓએ ફરિયાદ કરતા ભાવનગરનાં આરોગ્ય તબીબ નિયામક ડો.મનીષ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. અને મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ બહાર આવતા સુપ્રિમટેન્ડેન્ટને ખખડાવ્યા હતા. અને ગીતા અધ્યાયના 11માં પાઠનું વાંચન કરવા શીખ આપી હતી.
ઊના તાલુકા આસપાસ 70 ગામ અને શેહરી વિસ્તારનાં લોકો જ્યા આરોગ્યની સેવા મેળવે છે તે હોસ્પિટલને સિવીલનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ અધિક્ષક જય પાધરેસાની નિમણૂંક કરાઈ હતી. જો કે, બાદમાં હોસ્પિટલની સેવાઓ કથળતા રજૂઆત થઈ હતી. તેમ છતાં કોઈ સુધારો થયો ન હતો. અને નિયામક ડો.મનિષે અધિકારીને ઉધડા લીધા હતા. અને કહ્યું હતું કે, ભગવાન બધુ જુવે છે. તમને પૈસા કમાવા પાછળ રહેવા અહીં નથી મુક્યા. તમારી પીઠ પાછળ ખરાબ બધા જ દર્દી, કર્મીની ફરિયાદ છે.
આ ઉપરાંત ઈમરજન્સી વોર્ડમાં પડદા અને ટેબલ પર તકીયા નહીં હોવાનું તેમજ ગંદકીથી ખદબદતા રૂમ, આડેધડ પડેલા માલ-સામાનને લઈ પણ કડક શબ્દોમાં સુચના આપી હતી. જો કે, સિવીલ અધિક્ષકે પોતાના બચાવમાં કહ્યું હતું કે, ખરીદી ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે. પરંતુ નિયામકે કહ્યું હતું કે, સામાન્ય ખરીદીમાં ટેન્ડરની કોઈ જરૂરીયાત જ રહેતી નથી.
બચાવમાં કહ્યું, ટેન્ડર પ્ર ક્રિયા હાથ ધરી છે તો અધિકારીએ કહ્યું સામાન્ય ખરીદીમાં કોઈ જરૂરિયાત રહેતી જ નથી
સફાઈ કર્મીઓના પગાર 2 માસથી નથી થયા
35 કિમી દુરથી 7 હજારના પગારમાં સફાઈ માટે સિવીલમાં આવતા કર્મીઓના પગાર બાબતે ફરિયાદ ઉઠી હતી. આ ઉપરાંત વિવિધ પ્રશ્નોને લઈ પણ ફરિયાદો થતા પુરતી સવલતો ઉભી કરવાનો આદેશ કર્યો હતો.
ઓક્સિજન સાધનોની તપાસ
સંભવીત કોરાનાની લહેરને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. એ મુજબ ઊના સિવીલમાં ઉભા કરાયેલા કોરોના વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટ, સાધનો, બોટલો અંગે પણ વિગતો મેળવી હતી. અને ખાલી બોટલો તુરંત ભરાવી તમામ વોર્ડમાં સુવિધાઓ ઉભી કરાવી હતી.
બાળકો માટેની કીટ પણ ઉપલબ્ધ નથી
અહીંયા ડિલીવરીમાં આવતા સગર્ભા બહેનોના બાળકો માટે કીટની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આ ઉપરાંત ઈમરજન્સી સારવાર વોર્ડ અને પાણી સફાઈ, કેમિકલ દવાની પુરતી સવલત ન હોવાથી દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં જવુ પડે છે. આ ઉપરાંત દર્દીના પલંગ, ગાદલા, ઓછાડ, તકીયા સહિતના મુદ્દે પણ ફરિયાદો થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.