ઉનાના અંજાર રોડ પર આવેલા આંબાવાડીમાં છેલ્લા અઠવાડીયાથી દીપડો આવી ગયો હતો. તેના કારણે ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો હતો. તેની જાણ વન વિભાગને કરાતા દીપડાને પકડવા માટે આંબાવાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા પણ મળી હતી.
દીપડો પકડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો
અંજાર રોડ પર આવેલ ધવલ નર્સરી નામની આંબાવાડીમાં છેલ્લા અઠવાડીયાથી દીપડો રાત્રિના સમયે દેખાતો હતો. ખેડૂતો ખેતરમાં કામ કરવા જતા હતા ત્યારે ભય અનુભવતા હતા. સ્થાનિક હાર્દિકભાઈ વાજાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ દ્વારા આંબાવાડીમાં પાંજરૂં ગોઠવી દેવામાં આવ્યુ હતું. આજે વહેલી સવારે દીપડો પાંજરાંમાં કેદ થઈ ગયો હતો. દીપડાને પાંજરાં સાથે વાહનમાં લઈ જશાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દીપડીને પણ પકડવામાં આવી
સીમર ગામના ખેડૂત ધીરુભાઈ ગોહિલની વાડીમાં પણ દીપડીને પકડવા પાંજરૂં રાખવામાં આવ્યું હતુ. રાત્રિના સમયે દીપડી પાંજરાંમાં આવી જતા વન વિભાગના નવાબંદર રાઉન્ડના સ્ટાફ દ્વારા દીપડીને જસાધાર ખાતે ખસેડવામાં આવી હતી. જેથી ત્યાંના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.